નડિયાદમાં ઉછીના લીધેલા રૂ. પાંચ હજાર પાછા આપવાનું કહી મહિલાને મળવા બોલાવી પડોશી મહિલાએ રૂ. એક લાખ ઉછીના માગ્યાં હતાં. જેથી મહિલાએ વધુ નાણાં આપવાની ના પાડતા પડોશી મહિલાએ તેણી પર એસિડ ફેંક્યું હતું. બાદમાં મહિલાના કાનમાંથી સોનાની ૯ કડીઓ ખેંચીને કાઢી લઈ, ઈંટથી માર મારી, જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
નડિયાદમાં સિવિલ હોસ્પિટલ પાછળ આવેલા ખોડિયારનગરમાં રહેતા મનિષાબેન ભાવેશભાઈ ગામેતી બુધવારે સવારે નરેન્દ્રપાર્ક સોસાયટીમાંથી ઘરકામ પુરુ કરીને શિવનગર તરફ જઈ રહ્યાં હતાં. ત્યારે તેમની પડોશમાં રહેતા શોભનાબેન પૂનમભાઈ રાવળે તેણીને ફોન કર્યો હતો અને મેં તારી પાસેથી ઉછીના લીધેલા રૂ. 5 હજાર પાછા આપવાના છે, હું હાલ મોટા કુંભનાથ મહાદેવ મંદિર પાસે ઉભી છું ત્યાં આવ, એમ જણાવ્યું હતું. જેથી મનિષાબેન ત્યાં પહોંચ્યાં હતાં. ત્યારે શોભનાબેને પૈસાની જરૂર હોવાનું જણાવી વધુ રૂ. 1 લાખની માંગ કરી હતી. જેથી મનિષાબેને પૈસા ન હોવાથી આપવાની ના પાડી હતી. બાદમાં બંને સાથે ઘરકામ કરવા માટે જઈ રહ્યાં હતાં. ત્યારે ધુંગામાં જઈને શોભનાબેને મનિષાબેન ઉપર એસિડ ફેંકી, તેને નીચે પાડી દઈ કાનમાં પહેરેલી 9 સોનાની કડી ખેંચીને કાઢી લીધી હતી. બાદમાં ઈંટથી માર મારી તેણીનો મોબાઈલ તોડી નાખ્યો હતો.
જોકે, તેણીએ ભાગવાનો પ્રયાસ કરતા શોભના તેને મંદિરના મેદાનમાંથી ઢસડીને ધુંગામાં લઈ ગઈ હતી. તેમજ આ ઘટના વિશે કોઈને જાણ ન કરવાનું જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મનિષાબેનની ફરિયાદના આધારે નડિયાદ ટાઉન પોલીસે શોભનાબેન રાવળ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.