જામનગરના સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં બે વર્ષ પહેલાં એક તરૂણીનું અપહરણ અને તેના ન્યૂડ ફોટા વાયરલ કરવા અંગે યુવાન સામે ગુનો નોંધાયો હતો, જ્યારે તેમાં મદદગારી કરનાર તેના માતા-પિતાના પણ નામ ખુલ્યા હતા. ત્રણેય નાસતા ફરતા આરોપીઓને એલસીબીની ટુકડીએ ઝડપી લીધા છે, અને સીટીબી ડિવિઝન પોલીસમાં સુપ્રત કર્યા છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર પંથકની એક સગીરાનું અપહરણ કરી જવા અંગે પ્રિન્સ અશોકભાઈ મકવાણા સામે ગુન્હો નોંધાયો હતો. જ્યારે તેની સામે સગીરાના ન્યુડ ફોટા વાયરલ કરવા અંગે આઇટી એક્ટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. જેમાં મદદગારી કરવા અંગે આરોપીના માતા-પિતા અશોક બચુભાઈ મકવાણા અને જાગૃતિબેન અશોકભાઈ મકવાણા સામે પણ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, અને છેલ્લા બે વર્ષથી ત્રણેય આરોપીઓ ફરાર હતા. ત્રણેય આરોપીઓ ગઈકાલે રાત્રે ટ્રેન મારફતે જામનગરમાં આવ્યા છે. તેવી ચોક્કસ બાતમીના આધારે એલસીબીની ટુકડીએ પંચવટી વિસ્તારમાં વોચ ગોઠવી ત્રણેય આરોપીઓને ઝડપી લીધા હતા, અને સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં સુપ્રત કરી દીધા છે.