ગુજરાત અને ખાસ કરીને અમદાવાદ જિલ્લાની ઓળખ સમા ભાલિયા ઘઉંનું આ વર્ષે રેકોર્ડ બ્રેક વાવેતર- ઉત્પાદન થયુ છે. ગત માર્ચ માસમાં તેની કાપણી થયા બાદ હાલમાં બજારમાં ઠલવાયેલા ભાલિયા ઘઉંનો ૨૦ કિલોનો ભાવ ૮૦૦ થી ૧,૧૦૦ રૃપિયા ચાલી રહ્યો છે. દર વર્ષે સરેરાશ ૩૦ થી ૩૫ હજાર હેક્ટરમાં વાવેતર થતું હોય છે. જેને બદલે આ વખતે ૫૦ હજાર હેક્ટરમાં ભાલિયા ઘઉંનું વાવેતર ઓક્ટોબર-નવેમ્બર માસમાં થયું હતું. હેક્ટર દીઠ સરેરાશ ૫૫ મણ ઘઉં થતા આ વખતે ઉત્પાદન વધુ જોવા મળતા ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે. ચાલુ વર્ષે ૫૦ હજાર હેક્ટરમાં વાવેતર થયું હતું બમ્પર ઉતારો બેસતા ખેડૂતોમાં આનંદની લાગણી હાલમાં ઘઉં ભરાવવાની સિઝન પુરજોશમાં ચાલી રહી છે.
આ અંગે ખેડૂતોના જણાવ્યા મુજબ ગત ચોમાસામાં જુલાઇ-ઓગષ્ટ માસમાં ભારે વરસાદ પડયો હતો. તેના પાણી ભાલ વિસ્તારમાં ભરાઇ ગયા હતા. જેના કારણે જમીન ભેજવાળી થઇ જતા વધુ વાવેતર વધુ કરાયું હતું. અને હવે ઉત્પાદન પણ વધુ થયું છે. જિલ્લામાં ભાલિયા ઘઉંનું ઉત્પાદન ૨૭.૫૦ લાખ મણ થયું હોવાનો અંદાજ છે.
સામાન્ય રીતે ભાલ પંથકમાં દર વર્ષે ૩૦ થી ૩૫ હજાર હેક્ટરમાં ભાલિયા ( બિન પિયત) ઘઉંનું વાવેતર થતું હોય છે. જ્યારે આ વખતે ૫૦ હજાર હેક્ટરમાં વાવેતર સંપન્ન થયું હતું .