તરણેતર મેળામાં ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢ દ્વારા વિકસિત ભારત 2047 વિષય અંતર્ગત આયોજિત મલ્ટીમીડિયા પ્રદર્શનનું ઉદઘાટન ચોટીલાના ધારાસભ્ય શામજીભાઈ ચૌહાણના હસ્તે કરવામાં આવ્યું. સુરેન્દ્રનગર જિલ્લા કલેકટર કે સી સંપત, જિલ્લા વિકાસ અધિકારી રાજેશ તન્ના, એસ પી ગિરીશ પંડ્યા, આસિસ્ટન્ટ કલેકટર કલ્પેશકુમાર શર્મા, તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ અશોકસિંહ ઝાલાની પ્રેરક ઉપસ્થિતિ તેમજ સુરેન્દ્રનગર જિલ્લા, થાન અને ચોટિલા તાલુકાના પદાધિકારીઓ અને અધિકારીઓની ઉપસ્થિતિમાં પાંચ દિવસીય પ્રદર્શન સહિતના કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો.
પ્રદર્શનની મુલાકાત લેતા ધારાસભ્ય શામજીભાઈએ તરણેતરના મુલાકાતીઓને અહીં એક જ સ્થળેથી સરકારની વિભિન્ન યોજનાઓ અંગેની જાણકારી અને માર્ગદર્શન પૂરું પાડતા આ પ્રદર્શનના આયોજનની સરાહના કરી હતી તેમજ વધુને વધુ લોકો આ પ્રદર્શનની મુલાકાત લે તે માટેની અપીલ પણ કરી હતી. કેન્દ્રીય સંચાર બ્યુરો જુનાગઢના ક્ષેત્રિય પ્રચાર અધિકારી દેવેન્દ્ર ત્રિવેદીએ આયોજન અંગે જાણકારી આપતા જણાવ્યું કે તારીખ 9 સુધી તરણેતર ખાતે મલ્ટીમીડિયા એક્ઝિબિશન સહિતનાં કાર્યક્રમને જાહેર જનતા માટે આજ રોજ ખુલ્લો મુકાયો છે. સરકારની સિદ્ધિઓ અને વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ સાથે રાષ્ટ્રીય અભિયાનો અંગે લોકોને જાણકારી મળી રહે તેમજ અભિયાનોમાં જનભાગીદારી વધે તેવા ઉદ્દેશ્ય સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વધુમાં તેમણે જણાવ્યું કે પ્રદર્શનના પૂર્વ પ્રચારના ભાગરૂપે વિભિન્ન સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં થાનગઢની મ્યુનિસિપલ હાઇસ્કુલ ખાતે આયોજિત નિબંધ સ્પર્ધા, ચિત્ર સ્પર્ધા તેમજ વક્તૃત્વ સ્પર્ધાના વિજેતાઓને ઊપસ્થિત મહાનુભાવોના હસ્તે ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
આ પાંચ દિવસીય પ્રદર્શનમાં જાહેર જનતાને નિશુલ્ક પ્રવેશ રહેશે. તેમજ આગામી દિવસોમાં પણ પ્રદર્શન સ્થળ પર આવી વિભિન્ન સ્પર્ધાઓ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. જેનો વધુને વધુ લોકો લાભ મેળવે તે માટે મેળાના મુલાકાતથીઓને આ પ્રદર્શનની મુલાકાત લેવાની અપીલ કરવામાં આવી હતી.