માર્ગ સુરક્ષા અને જાગૃતિ અંગેના કેન્દ્ર અને રાજ્ય સરકારના સંયુક્ત પ્રયાસો તેમજ લોક સહકારના પરિણામે ગુજરાતમાં વર્ષ ૨૦૧૬ કરતાં વર્ષ ૨૦૧૭માં ૧૨.૭ ટકાના દરે માર્ગ અકસ્માતમાં ઘટાડો થયો છે, જેના કારણે માર્ગ અકસ્માતથી થતાં મૃત્યુઆંકમાં પણ ૧૦.૪૧ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે તેમ વાહન વ્યવહાર કમિશનરશ્રી કચેરીની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં જણાવ્યાનુસાર કેન્દ્ર સરકારના માર્ગ અને પરિવહન મંત્રાલય દ્વારા ૨૩ એપ્રિલથી ૩૦ એપ્રિલના ૨૦૧૮ સુધી ૨૯મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી વાહન વ્યવહાર કમિશનરની કચેરી તેમના તાબા હેઠળની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓ, સહાયક પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરીઓ ઉપરાંત પોલીસ, શિક્ષણ, માર્ગ-મકાન, નેશનલ હાઇવે ઓથોરીટી સહિતના જુદા-જુદા વિભાગોના સહયોગથી કરવામાં આવી હતી.
આ ઉપરાંત વાહન વ્યવહાર કમિશનરશ્રી કચેરી, ગાંધીનગરના કર્મયોગીઓ દ્વારા સચિવાલય ખાતે કાર્યરત અન્ય વિભાગોના કર્મચારીઓને માર્ગ સલામતીની પ્રતિજ્ઞા લેવડાવી, માર્ગ સલામતી અંગેના નિયમોની સઘન અમલવારી અંગેની વિસ્તૃત સમજ-સહ-માર્ગદર્શન પૂરા પાડવામાં આવ્યું હતું. માર્ગ સલામતી અંગે લોકો પ્રશિક્ષિત બને તે માટે અનોખી રીતે માર્ગ સલામતીના પેમ્ફલેટ, સ્ટીકરોનું પણ વિતરણ કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે માર્ગ સલામતી સપ્તાહમાં ગ્રામ્યસ્તરની થીમનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જ્યારે ગુજરાત રાજ્યમાં આ ઉજવણી ગ્રામ્ય તથા શહેરી એમ બંને કક્ષાએ ખૂબજ ઉત્સાહપૂર્વક કરવામાં આવી હતી. જેમાં સરકારી વિવિધ વિભાગોની સાથે સ્વયંસેવી સંસ્થાઓ, એનસીસી, એનએસએસના વિદ્યાર્થીઓને સાથે રાખી વિવિધ સેમીનારનું આયોજન કરાયુ હતું. ઉપરાંત રીક્ષા ડ્રાઇવર તેમજ અન્ય ડ્રાઇવરોની તાલીમ, હેલ્થ ચેકઅપ, ડ્રાઇવરોનું સન્માન, રોડ સેફ્ટી કાર્નિવાલ, રોડ સેફ્ટી આધારિત મનોરંજક જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા તેમ પણ યાદીમાં વધુમાં ઉમેર્યું હતું.