- રાજ્યના ધોરણ ૫ થી ૮ના કુલ ૨.૮૫ લાખ બાળકો ટેક્નોલોજી થી શિક્ષણ મેળવી રહ્યા છે
- રાજ્યના ૩૮૦૦ થી વધુ શિક્ષકોને તાલીમબદ્ધ કરાયા : ધો.૫ થી ૮ના તમામ વિષયોનું ઇ-કન્ટેન્ટ વર્ગખંડોમાં ઉપલબ્ધ
- જ્ઞાનકુંજ મોડલની સમગ્ર સંકલ્પના ૭૩.૯ ટકા શિક્ષકોને ઉત્તમ અને ર૪.૭ ટકા શિક્ષકોને સારી લાગી
- ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી ભણાવવા અંગેના રાજ્ય સરકાર દ્ધારા કરાયેલ સર્વેમાં વાલીઓ અને વિદ્યાર્થીઓ સો ટકા સંતુષ્ટ
રાજ્યના વિદ્યાર્થીઓને ટેક્નોલોજીના માધ્યમથી શિક્ષણ પુરુ પાડવા માટે રાજ્ય સરકારે નવતર અભિગમ દાખવીને ‘‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’’ કાર્યક્રમ અમલી બનાવ્યો છે. આ કાર્યક્રમ હેઠળ રાજ્યની ૧૬૦૯ સરકારી પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૭ અને ૮ના ૩૧૭૩ વર્ગખંડોમાં ટેક્નોલોજીના માધ્યમ દ્વારા સ્માર્ટ બોર્ડ સાથે ઇન્ટેરેક્ટિવ ઇ-ક્લાસ વિકસાવાયા છે. જેનો લાભ ધો.૫ થી ૮ના કુલ ૨.૮૫ બાળકો લઇ રહ્યા છે, એમ સર્વે શિક્ષા અભિયાનના ડાયરેક્ટરની યાદીમાં જણાવાયું છે.
યાદીમાં વધુમાં જણાવ્યાનુંસાર ‘‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’’ એ ટેક્નોલોજીના વિવિધ સાધનો જેવા કે પ્રોજેક્ટર, ઇન્ફ્રારેડ કેમેરા, લેપટોપ, સ્પીકર, સ્માર્ટ બોર્ડ, વાઇ-ફાઇ રાઉટરની મદદથી શીખવા-શીખવવાની પ્રક્રિયા અને વર્ગખંડ ઇન્ટરેક્ટિવિટીમાં અભિવૃદ્ધિ કરવા માટેનો એક સ્કૂલ ડિઝિટલાઇઝેશન કાર્યક્રમ છે, જે હેઠળ જ્ઞાન જ્ઞાનકુંજ વર્ગખંડમાં ટેક્નોલોજીના વિવિધ સાધનો અને ઇ-કન્ટેન્ટના ઉપયોગથી વર્ગખંડ કાર્ય, બાળકોનું મુલ્યાંકન તેમજ ઇન્ટરનેટથી ઓપનસોર્સ રીસોર્સીસ – ફી કન્ટેન્ટના ઉપયોગથી શિક્ષણના વૈશ્વિક તરાહો પર શિક્ષણ આપવામાં આવે છે. ધોરણ ૫ થી ૮ ના તમામ વિષયોનું ઇ-કન્ટેન્ટ વર્ગખંડમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. આ ઇ-કન્ટેન્ટમાં ઇમેજ, વિડીયો, એનીમેશન, વર્ચ્યુઅલ લેબ, ડેમોન્સ્ટ્રેશન પ્રવૃત્તિઓ અને સ્વ-અધ્યયન, મુલ્યાંકન અને સંદર્ભ સાહિત્ય જેવી તમામ બાબતોનો સમાવેશ થાય છે.
‘‘જ્ઞાનકુંજ પ્રોજેક્ટ’’ અંતર્ગત કુલ ૩૮૦૦ થી વધુ શિક્ષકોને પ્રેક્ટિકલ તાલીમ આપવામાં આવી છે. સમગ્ર પ્રોજેક્ટના સફળ અમલીકરણ માટે વેબ બેઝ્ડ એપ્લીકેશન (www.gyankunj.org) અને મોબાઇલ એપ તૈયાર કરવામાં આવી છે. જ્ઞાનકુંજ એપ્લીકેશનમાં શાળા કક્ષાએથી નોડલ શિક્ષક દ્વારા કરવામાં આવેલ હાર્ડવેર/સોફ્ટવેરની લગતી સમસ્યાઓની ઓનલાઇન કમ્પલેઇનનું ત્વરિત નિવારણ કરવામાં આવે છે જેથી પ્રોજેક્ટની Real-time પ્રગતિ જાણી શકાય છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ ના અમલીકરણ અંગે શિક્ષકોના પ્રતિભાવ Google Form ના માધ્યમથી આમંત્રિત કરવામાં આવ્યા છે. શિક્ષકોના મળેલ પ્રતિભાવો મુજબ જ્ઞાનકુંજ મોડલની સમગ્ર સંકલ્પના (Concept) ૭૩.૯ ટકા શિક્ષકોને ઉત્તમ અને ર૪.૭ ટકા શિક્ષકોને સારી લાગી છે.
પ્રોજેક્ટની અસરકારકતા જાણવા માટે રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા સ્ટેટેસ્ટિકલ બ્યુરો મારફત સર્વે કરવામાં આવ્યો છે. સર્વે દરમિયાન કરેલ અભ્યાસના તારણોમાં ૧૦૦ટકા બાળકો જ્ઞાનકુંજ સુવિધાથી ભણાવવામાં આવેલ દરેક એકમ સમજી શકે છે અને તેમને ઓડિયો-વિઝ્યુઅલ માધ્યમથી ભણવું ખુબ ગમે છે. અભ્યાસ અંતર્ગત ૧૦૦ ટકા બાળકોના વાલીઓએ એ વાતનો સ્વીકાર કર્યો છે કે તેમનું બાળક શાળાએ જવા ઉત્સાહિત હોય છે અને આ પદ્ધતિથી તેમના બાળકને ફાયદો થયો છે.