માહિતી અધિકાર કાયદા હેઠળ RBIને કરેલ એક RTIમાં RBI તરફથી મળેલ માહિતી મુજબ છેલ્લા પાંચ વર્ષમાં વિવિધ બેંકોમાં એક લાખ કરોડ રૂપિયાના ગેરરીતિના ૨૩,૦૦૦ કેસો નોંધાયેલા છે જેમાં એક લાખ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. સરકારના આંકડા અનુસાર ડિસેમ્બર, ૨૦૧૭માં તમામ બેંકોની કુલ એનપીએ વધીને ૮,૪૦,૯૫૮ કરોડ રૂપિયા થઇ ગઇ હતી.
સૌથી વધુ એનપીએ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ૨,૦૧,૫૬૦ કરોડ રૃપિયા છે. માહિતી અધિકાર કાયદા હેઠળ પૂછાયેલા એક પ્રશ્રના જવાબમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ જણાવ્યું હતું કે એપ્રિલ, ૨૦૧૭થી ૧ માર્ચ, ૨૦૧૮ સુધીમાં છેતરપિંડીના ૫૧૫૨ કેસો નોંધાયેલા છે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭માં બેંક છેતરપિંડીના ૫૦૦૦ કેસો નોંધવામાં આવ્યા હતાં.
આરબીઆઇના જણાવ્યા અનુસાર એપ્રિલ, ૨૦૧૭થી ૧ માર્ચ, ૨૦૧૮ દરમિયાન સૌથી વધુ ૨૮,૪૫૯ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ૨૦૧૬-૧૭માં બેંક ગેરરીતિના ૫૦૭૬ કેસો નોંધવામાં આવ્યા છે. જેમાં ૨૩,૯૩૩ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ૨૦૧૫-૧૬માં બેંક ગેરરીતિના ૪૬૯૩ કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં ૧૮,૬૯૮ કરોડ રૃપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ૨૦૧૪-૧૫માં બેંક ગેરરીતિના ૪૬૩૯ કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં ૧૯,૪૫૫ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. ૨૦૧૩-૧૪માં બેંક ગેરરીતિના ૪૩૦૬ કેસો નોંધવામાં આવ્યા હતાં. જેમાં ૧૦,૧૭૦ કરોડ રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી હતી. આરબીઆઇએ વધુમાં જણાવ્યું છે કે આ કેસોમાં નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવી છે. બેંક છેતરપિંડીના મોટા કેસોમાં પંજાબ નેશનલ બેંકના ૧૩,૦૦૦ કરોડ રૂપિયાના કૌભાંડનો સમાવેશ થાય છે.