ન્યુ દિલ્હી : દેશના નવ રાજ્યોમાં જોરદાર વરસાદ પડ્યો છે. સપાટ વિસ્તારો અને દરિયાકિનારાના ક્ષેત્રોમાં મુશળધાર વરસાદને કારણે અનેક સ્થળોએ જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. આ વરસાદને કારણે લોકોના રોજિંદા જીવન પર અસર થઈ છે. દિલ્હી એનસીઆરમાં ભારે વરસાદ બાદ ગુજરાતમાં પણ ભારે વર્ષાને કારણે ઘણાં સ્થળોએ પાણી ભરાતાં લોકો મુશ્કેલીમાં મૂકાયા હતા. હવામાન વિભાગ અનુસાર આગામી બે દિવસમાં દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં મોટા પ્રમાણમાં વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે ગુજરાતમાં પણ ભારે વરસાદની સૂચના જાહેર કરી છે.
અમદાવાદમાં રવિવારે જોરદાર વરસાદ થયો હતો. સતત પાંચ કલાક સુધી વરસેલા વરસાદને કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આજે વરસાદને કારણે શેલાના પશ્ચિમ વિસ્તારમાં માર્ગ પર ખાડા પડ્યા હતા, તો બીજી તરફ ગાંધીનગર સહિત અનેક સ્થળોએ જમીન ધસી પડવાની ઘટનાઓ બની છે. ગુજરાતમાં આવતીકાલથી પાંચ દિવસ સુધી ધમાકેદાર વરસાદની શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર પાંચ દિવસમાં ગુજરાતના તમામ ભાગોમાં વરસાદ થઈ શકે છે. રાજ્યમાં ભારે વરસાદની સૂચના આપવામાં આવી છે. સુરત, નવસારી, વલસાડ અને દાદરાનગર હવેલી, ભરૂચ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
હવામાન વિભાગે ૨૭ રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. આગાહી પ્રમાણે ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્ય પ્રદેશ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, હરિયાણા, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, તમિલનાડુ, પુડુચેરી, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, પંજાબ, દિલ્હી, છત્તીસગઢ, બિહાર, ગુજરાત, કેરળ, ગોવા, મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્ર, કચ્છ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટકના દરિયાકાંઠાના વિવિધ વિસ્તારોમાં આવતીકાલે વરસાદની શક્યતા દર્શાવાઈ છે. પશ્ચિમ રાજસ્થાન, હરિયાણા, ચંડીગઢ, પંજાબ, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીરમાં આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસુ આગળ વધવાની સ્થિતિ અનુકૂળ જણાય છે. હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને પૂર્વ રાજસ્થાનમાં આજથી ત્રણ જુલાઈ સુધી ભારે વરસાદની આગાહી. જ્યારે પશ્ચિમ રાજસ્થાનમાં ૨ ૩ જુલાઈએ ભારે વરસાદની આગાહી છે. કેરળ, લક્ષદ્વીપ, કર્ણાટકનો દરિયાકાંઠો, કોંકણ, ગોવા, ગુજરાત અને મધ્ય મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. બિહારમાં આજથી બે જુલાઈ દરમિયાન ભારે વરસાદની આગાહી છે.