ઉત્તર કોરિયાના સરમુખત્યાર પોતાના અજીબ અને ક્રૂર ર્નિણયો માટે ઓળખાય છે. હવે ત્યાં એક ૨૨ વર્ષના યુવકને જાહેરમાં મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો છે. તેનો ગુનો માત્ર એટલો જ હતો કે, તે પાડોશી દેશ દક્ષિણ કોરિયાના ગીત સાંભળી રહ્યો હતો. તેના પર આરોપ હતો કે, તેણે કે-પોપ મ્યુઝિક અને ફિલ્મો જોઈને ઉત્તર કોરિયાના કાયદાનો ભંગ કર્યો છે. એક અહેવાલ પ્રમાણે દક્ષિણ હ્વાંગી પ્રાંતના નિવાસી એક વ્યક્તિને દક્ષિણ કોરિયાના ૭૦ ગીતો સાંભળવા અને ત્રણ ફિલ્મો જોવા બદલ દોષી ઠેરવવામાં આવ્યો હતો અને તેને મૃત્યુદંડ આપવામાં આવ્યો હતો.
ઉત્તર કોરિયામાં રિયક્શનરી આઈડિયોલોજી એન્ડ કલ્ચર લો ૨૦૨૦ હેઠળ આ ગુનો છે. પૂર્વ શાસક કિમ જોંગ ઈલના શાસનકાળ દરમિયાન દક્ષિણ કોરિયન સંગીત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બીજી તરફ કિમ જોંગ ઉનના શાસનમાં કાયદાને વધુ કડક બનાવવામાં આવ્યા હતા. કે-પોપ અને કે-ડ્રામા એ દક્ષિણ કોરિયન ફિલ્મો અને સંગીતનું એક રૂપ છે જેને સમગ્ર વિશ્વમાં પસંદ કરવામાં આવે છે. રિપોર્ટમાં ઉત્તર કોરિયાના જ લોકોને કોટ કરવામાં આવ્યા. એક વ્યક્તિએ કહ્યું કે, અંતે આપણે આવી જિંદગી કેમ જીવીએ છીએ? ઉત્તર કોરિયામાં જીવવા કરતાં મરી જવું સારું છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે ઉત્તર કોરિયાના અધિકારીઓ મોટાભાગે કોઈનો પણ ફોન ચેક કરે કે તેમાં કયા પ્રકારનું સંગીત છે. અહેવાલ મુજબ ઉત્તર કોરિયામાં દુલ્હનોને સફેદ ડ્રેસ પહેરવો, દુલ્હાનું દુલ્હનને સાથે લઈ જવું, સનગ્લાસ પહેરવા અથવા દારૂ પીવા માટે કાચના ગ્લાસનો ઉપયોગ કરવો પણ ગુનો છે અને તેના માટે સખત સજા આપવામાં આવે છે.
અગાઉના અહેવાલોમાં પણ એવો દાવો કરવામાં આવ્યો છે કે ઉત્તર કોરિયામાં ખાદ્યપદાર્થો અને કપડાંને લઈને ખૂબ જ કડક કાયદા છે. ત્યાં કોઈ પણ વ્યક્તિ વધુ ચોંટેલી જીન્સ નથી પહેરી શકતા. આ ઉપરાંત વ્યક્તિ દરેક પ્રકારની હેર સ્ટાઈલ નથી કરી શકતા. એવી ટી-શર્ટ પણ નથી પહેરી શકાતી જેના પર વિદેશી ભાષામાં કંઈપણ લખેલું હોય. નિષ્ણાતોનું કહેવું છે કે ઉત્તર કોરિયાના લોકો દક્ષિણ કોરિયાની સંસ્કૃતિને પસંદ કરે છે પરંતુ સરમુખત્યાર કિમ જોંગ ઉન તેને પોતાની સત્તા માટે પડકાર માને છે. એટલા માટે તેણે કડક કાયદા બનાવ્યા છે. બીજા વિશ્વ યુદ્ધ પછી ઉત્તર અને દક્ષિણ કોરિયાનું વિભાજન થઈ ગયુ હતું.