દેશમાં સ્વાસ્થ્ય ક્ષેત્રમાં માળખાગત સુવિધાઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલા કેન્દ્રીય મંત્રીમંડળે પ્રધાનમંત્રી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના (PMSSY)ને 12મી પંચવર્ષીય યોજનાથી અલગ વર્ષ 2019-20 સુધી ચાલુ રાખવાની મંજૂરી આપી દીધી છે. આ હેતુ માટેનો નાણાકીય ખર્ચ રૂ. 14,832 કરોડ છે. આ યોજના હેઠળ નવી એઈમ્સ સ્થપાશે તથા સરકારી મેડીકલ કોલેજોમાં સુધારો કરવામાં આવશે.
PMSSY કેન્દ્રીય ક્ષેત્ર યોજના છે, જેનો ઉદ્દેશ્ય સામાન્ય રૂપે દેશના વિવિધ ભાગોમાં પરવડી શકે તેવી તૃતિયક સ્વાસ્થ્ય સુવિધાઓમાં રહેલા અસંતુલનને દૂર કરવાનો અને વિશેષ રૂપથી ઓછી સુવિધા ધરાવતા રાજ્યોમાં ગુણવત્તાયુક્ત મેડીકલ શિક્ષણ માટેની સુવિધાઓ વધારવાનો છે.
નવી એઈમ્સની સ્થાપના માત્ર આરોગ્ય શિક્ષણ અને તાલીમમાં પરિવર્તન નહીં લાવે પરંતુ સાથોસાથ જે તે ક્ષેત્રમાં આરોગ્ય નિષ્ણાંતોની અછત પણ દૂર કરશે. નવી એઈમ્સની સ્થાપનાનો સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર આપશે. સાથોસાથ તેના સંચાલન અને રખરખાવનો ખર્ચ પણ કેન્દ્ર સરકાર ભોગવશે.
અપગ્રેડેશન યોજનામાં, મુખ્ત્વે સુપર સ્પેશિયાલિટી બ્લોક / ટ્રોમા સેન્ટર વગેરેના નિર્માણ દ્વારા સ્વાસ્થ્ય માટેની માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા તથા કેન્દ્ર અને રાજ્ય દ્વારા સંયુક્ત રૂપે હાલની તેમજ નવી સુવિધાઓ માટે મેડીકલ સાધનો ખરીદવા પર વિચાર કરવામાં આવ્યો છે.
જુદા જુદા રાજ્યોમાં એઈમ્સના નિર્માણથી દરેક એઈમ્સ દીઠ ફેકલ્ટી અને નોન-ફેકલ્ટી પદો સહિત લગભગ 3000 લોકોને નોકરી મળશે. આ ઉપરાંત, એઈમ્સની આસપાસના વિસ્તારમાં શોપિંગ સેન્ટર, કેન્ટીન જેવી સુવિધાઓના કારણે અપ્રત્યક્ષ રોજગાર સર્જન પણ થશે.
કેન્દ્ર સરકારની સીધી દેખરેખ હેઠળ ભારત સરકાર દ્વારા નિયુક્ત એજન્સીઓ દ્વારા પસંદ કરાયેલી સરકારી મેડીકલ કોલેજો (GMCS)માં અપગ્રેડેશન પ્રોગ્રામ હાથ ધરવામાં આવશે. સંબંધિત રાજ્ય /કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા આ સરકારી મેડીકલ કોલેજોમાં નીતિ-નિયમો મુજબ પોસ્ટ-ગ્રેજ્યુએટ બેઠકો અને વધારાના ફેકલ્ટી પદોનું સર્જન કરવામાં આવશે અને ભરવામાં આવશે.
આ યોજના હેઠળ નવી એઈમ્સના માળખાના બાંધકામમાં તેમજ સરકારી મેડીકલ કોલેજોના અપગ્રેડેશન પ્રોગ્રામમાં થનારી બાંધકામ પ્રવૃત્તિમાં પણ નોંધપાત્ર પ્રમાણમાં રોજગારી સર્જન થવાની સંભાવના છે.