કેન્સરનાં દર્દી સયાલી અને પરોપકારી સ્ટેમ સેલ દાતા સતિશ એકબીજાને મળ્યાં
અમદાવાદ: મુંબઈનાં 43 વર્ષીય હેલ્થકેર ક્લિનિકલ રિસર્ચ પ્રોફેશન સાયલી રાણેને એક અજાણી વ્યક્તિનાં નિઃસ્વાર્થ કામને કારણે નવું જીવન મળ્યું છે. લ્યુકેમિયા સામે લડીને બ્લડ કેન્સર સામે જંગ જીતનાર રાણે આજે તેમનાં સ્ટેમ સેલ દાતા સતિશ રેડ્ડીને પહેલી વાર મળ્યાં હતાં. આ બેઠકમાં સયાલી રાણે ભાવુક થઈ ગયા હતા.
વાઈઝેગનાં 32 વર્ષીય સોફ્ટવેર એન્જિનીયર સતિશ રેડ્ડીએ જુલાઈ, 2016માં DKMS -BMSTફાઉન્ડેશન ઇન્ડિયામાં સ્ટેમ સેલ દાતા તરીકે નોંધણી કરાવી હતી. નોંધપાત્ર રીતે, તેમનો અનન્ય આનુવંશિક મેકઅપ રાણે માટે સંપૂર્ણ મેચ સાબિત થયો, જેનાં પગલે રાણેને લ્યુકેમિયા સામે જંગ જીતવાની તક મળી હતી. રેડ્ડીએ ઓગસ્ટ, 2021માં પોતાનાં લોહીનાં સ્ટેમ સેલનું દાન કર્યું હતું. આ પ્રક્રિયાથી સયાલી રાણેને જીવન બચાવતી સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ સર્જરીમાં મદદ મળી હતી.
રાણેએ લાગણી સાથે કહ્યું હતું કે, “સતિશનો આભાર હું શબ્દોમાં બયાન ન કરી શકું. તેનો દાતા બનવાના નિર્ણયે મને નવું જીવન આપ્યું છે. આજે હું મારાં હીરોને મળી છું.”
આ વિશે રેડ્ડીએ કહ્યું હતું કે, “તમને જીવન બચાવવામાં હું મદદરૂપ થયો છું એ જાણીને મને સૌથી વધુ આનંદ થયો છે. સયાલી રાણેને મળવું અને આજે તેમને જોવા ખરેખર જીવનનો યાદગાર અનુભવ છે.”
સયાલીની સારવાર કરતાં અમદાવાદની વેદાંતા એચઓસીના ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશિયન ડો. સંદીપ શાહ અને ડો. સંકેત શાહે કહ્યું હતું કે, “લોહીનાં કેન્સરમાં લ્યુકેમિયા, લીમ્ફોમા અને માએલોમા જેવી બિમારીઓ સામેલ છે, જે શરીરની કામ કરવાની ક્ષમતાને નુકસાનકારક અસર કરે છે. તેમાં શરીરમાં રક્તકોષો અસાધારણ રીતે વધે છે. લોહીનાં કેન્સરની સારવારની પરંપરાગત પદ્ધતિઓમાં કીમોથેરેપી જેવી સારવારો સામેલ છે, જે તમામ દર્દીઓ માટે ઉચિત હોય એ જરૂરી નથી. એટલે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ જેવી સારવારની વૈકલ્પિક પદ્ધતિઓની તાતી જરૂર ઊભી થઈ છે. બ્લડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટમાં દર્દીનાં શરીરમાં સ્વસ્થ લોહી બનાવતાં સ્ટેમ સેલનો પ્રવેશ કરાવવામાં આવે છે. આ સ્ટેમ સેલ પોતાની રીતે વૃદ્ધિ કરવાની ક્ષમતા ધરાવે છે અને વિવિધ પ્રકારનાં બ્લડ સેલમાં અલગ પડી જાય છે, દર્દીની રોગપ્રતિકારક ક્ષમતામાં નવસંચાર કરે છે અને નુકસાનકારક કે કેન્સરનાં કોષોનો નાશ કરીને તેનું સ્થાન લે છે. આ પ્રક્રિયાને સફળ બનાવવા દર્દીને સુસંગત એચએલએ કે ટિશ્યૂ દાતાની જરૂર છે, જેનાં શરીરમાંથી સ્વસ્થ સ્ટેમ સેલ લઈને દર્દીનાં શરીરમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવે છે.”
ભારતમાં દર વર્ષે 70,000થી વધારે લોકો લોહીનાં કેન્સરમાં મૃત્યુ પામે છે, જેમાંથી કેન્સરનાં નવા દર્દીઓનું પ્રમાણ 8 ટકા છે. એચએલએ-સુસંગત દાતામાંથી બ્લડ સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ એક મહત્વપૂર્ણ જીવનરેખા છે. સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટેશનમાં સુસંગત દાતામાંથી સ્વસ્થ બ્લડ સ્ટેમ સેલનો પ્રવેશ દર્દીનાં શરીરમાં કરાવવામાં આવે છે, જેથી દર્દીનાં શરીરમાં સ્વસ્થ લોહીનું નિર્માણ ફરી શરૂ કરવામાં મદદ મળે છે. જ્યારે દર્દીનાં હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજેન (એચએલએ) અને સંભવિત દાતાનાં એચએલએ સુસંગત હોય છે, ત્યારે સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટનું શ્રેષ્ઠ પરિણામ મળે છે. આ લોહીનાં ગ્રૂપને મેચ કરવાથી વધારે જટિલ પ્રક્રિયા છે. આશરે 30 ટકા દર્દીઓને એચએલએ-સુસંગત હોય એવા દાતા પરિવારમાંથી મળી જાય છે. જોકે બાકીના 70 ટકા દર્દીઓને સુસંગત એચએલએ ધરાવતા દાતા માટે પરિવારની બહાર શોધ કરવી પડે છે.
DKMS -BMSTફાઉન્ડેશન ઇન્ડિયાનાં સીઇઓ પેટ્રિક પૉલે દેશમાં સંભવિત બ્લડ સ્ટેમ સેલ દાતાઓની ખેંચ પર ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે, “ભારતમાં દર પાંચ મિનિટે લોહીનાં કેન્સર કે લોહીની બિમારી ધરાવતો એક નવા કેસનું નિદાન થાય છે, જેમ કે થેલેસેમિયા કે એપ્લાસ્ટિક એનીમિયા. ફક્ત 0.09 ટકા ભારતીયોએ સ્ટેમ સેલ દાતાઓ તરીકે નોંધણી કરાવી છે. એનો અર્થ એ થયો કે, ભારતીય દર્દીને પરિવારની બહાર દાતાઓ એક મિલિયનમાંથી એક મળવાની શક્યતા છે. એટલે હજારો ભારતીય દર્દીઓને વર્ષો સુધી રાહ જોવાની ફરજ પડે છે, કારણ કે તેમને ઉચિત દાતાઓ મળી શકતાં નથી, જે માટે દુનિયાભરમાં સ્ટેમ સેલનાં ડેટાબેઝ પર ભારતીય દાતાઓની સંખ્યા નગણ્ય છે કે તેનું પ્રતિનિધિત્વ જ નથી.”
તેમણે ઉમેર્યું હતું કે, “આ અસમાનતાને દૂર કરવા અને વધારે લોકોનું જીવન બચાવવા ભારતમાંથી મોટી સંખ્યામાં સંભવિત સ્ટેમ સેલ દાતાઓ નોંધણી કરાવે એ મહત્વપૂર્ણ છે. 1.42 અબજથી વધારે વસ્તી તથા લોહીનું કેન્સર અને લોહીની બિમારીઓ ધરાવતા દર્દીઓની સંખ્યામાં વધારા સાથે ભારતીય સ્ટેમ સેલ દાતાઓની સંખ્યા મોટાં પ્રમાણમાં વધે એ જરૂરી છે.”
આ હૃદયસ્પર્શી પ્રસંગ લોહીનું કેન્સર ધરાવતા દર્દીઓનું જીવન બચાવવામાં સ્ટેમ સેલનાં દાનની ચાવીરૂપ ભૂમિકા પર પ્રકાશ ફેંકે છે. આ પ્રકારનાં પ્રસંગો વધુ વ્યક્તિઓને દાતાઓ તરીકે નોંધણી કરાવવા પ્રેરિત કરશે અને આ જીવલેણ બિમારી સામે લડવા માટે આશારૂપ છે.
સંભવિત સ્ટેમ સેલ દાતા તરીકે નોંધણી કરાવવા તમે સ્વસ્થ ભારતીય પુખ્ત હોવા જોઈએ. તમારી વય 18 વર્ષથી 55 વર્ષ વચ્ચે હોવી જોઈએ. જ્યારે તમે નોંધણી કરાવો છો, ત્યારે તમારે સંમતિ ફોર્મ પૂર્ણ ભરવાની જરૂર છે અને તમારી પેશીનાં કોષો લેવા તમારાં ગાલની અંદરથી કોષો લેવા દેવા પડશે. તમારી પેશીનો નમૂનો પછી પ્રયોગશાળામાં તમારાં એચએલએ (હ્યુમન લ્યુકોસાઇટ એન્ટિજેન) માટે મોકલવામાં આવશે અને સુસંગત સ્ટેમ સેલ દાતાઓ માટે આંતરરાષ્ટ્રીય સર્ચ પ્લેટફોર્મ પર અજ્ઞાત દાતા તરીકે તમારી નોંધણી થાય છે. જો તમે લાયક હોવ તો, તમારાં ઘરે સ્વેબ કિટનો ઓર્ડર આપો અને બ્લડ સ્ટેમ સેલ દાતા તરીકે નોંધણી કરાવવા આ વેબસાઇટની મુલાકાત લોઃ www.dkms-bmst.org/register