પાકિસ્તાનના ઉત્તર-પશ્ચિમમાં ગિલગિટ-બાલ્ટિસ્તાન ક્ષેત્રના દિયામેર જિલ્લામાં સ્થિત કારાકોરમ નેશનલ હાઈવે પર મુસાફરોથી ભરેલી બસ ઉંડી ખીણમાં પડી હતી, જેમાં ૨૦ લોકોના મોત થયા હતા, જ્યારે ૧૫ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના વિશે માહિતી આપતા એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે બસ રાવલપિંડીથી હુન્ઝા જઈ રહી હતી ત્યારે આ અકસ્માત થયો હતો. જે દરમિયાન બસ ડ્રાઇવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં ખાબકી હતી. જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બસમાં કેટલાક મુસાફરો સવાર હતા.
સ્થાનિક પોલીસ અધિકારીએ જણાવ્યું કે અકસ્માત સમયે બસમાં કેટલા લોકો હાજર હતા તે હજુ સુધી જાણી શકાયું નથી. તેમણે કહ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે અને બચાવ કામગીરી ચાલી રહી છે. મૃતકોને પણ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. મૃતકો વિશે માહિતી આપતા હોસ્પિટલના એક કર્મચારીએ જણાવ્યું કે મૃત્યુ પામેલાઓમાં ત્રણ મહિલાઓ પણ સામેલ છે.
પાકિસ્તાનમાં થયેલા દુઃખદ માર્ગ અકસ્માત અંગે બચાવકર્મીઓએ જણાવ્યું હતું કે મૃતકોની સંખ્યામાં વધારો થવાની સંભાવના છે કારણ કે ઘાયલોમાં ઘણાની હાલત ગંભીર છે. ગિલગિટ-બાલ્ટિસ્તાનના મુખ્યમંત્રી હાજી ગુલબર ખાને આ ઘટના પર દુખ વ્યક્ત કર્યું અને વહીવટીતંત્રને ઘાયલોને તાત્કાલિક તબીબી સહાય પૂરી પાડવાનો નિર્દેશ આપ્યો.