ભ્રામક અને ખોટી જાહેરાતના મામલામાં પતંજલિની મુશ્કેલીઓ વધી રહી છે. કંપની વિરૂદ્ધ ફરી મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ઉત્તરાખંડ ડ્રગ વિભાગની લાઇસન્સ ઓથોરિટીએ પતંજલિના ૧૪ ઉત્પાદનોના લાઇસન્સ સસ્પેન્ડ કર્યા છે. ખાસ વાત એ છે કે, આ તમામ પ્રોડક્ટ્સ માર્કેટમાં ખૂબ ફેમસ છે અને લોકો તેને મોટી માત્રામાં ખરીદે છે.
આ જાણકારી ઓથોરિટીએ સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ દાખલ કરીને આપી હતી. આ સોગંદનામામાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, દિવ્યા ફાર્મસી હજુ પણ વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ ઉત્પાદનોને લઈને ભ્રામક જાહેરાતો આપી રહી છે. આ મહિનાની શરૂઆતમાં ડ્રગ્સ એન્ડ મેજિક રેમેડીઝ (વાંધાજનક જાહેરાત) એક્ટ અને ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટના ઉલ્લંઘનમાં આ ઉત્પાદનોની ભ્રામક જાહેરાતો અંગે કંપનીની ફરિયાદોને ધ્યાનમાં લઈને આ આદેશ જાહેર કરવામાં આવ્યો છે.
આ ઓર્ડરમાં, કંપનીને કહેવામાં આવ્યું છે કે, ઔષધિ નિરીક્ષક/જિલ્લા આયુર્વેદિક અને યુનાની અધિકારી, હરિદ્વાર દ્વારા તેને જાણ કરવામાં આવી છે કે, સંબંધિત પેઢી દ્વારા છેલ્લી તારીખ સુધી ઇચ્છિત માહિતી પ્રદાન કરવામાં આવી નથી અને પેઢી દ્વારા આપવામાં આવેલ ખુલાસો પણ સંતોષકારક નથી. તેથી, ડ્રગ્સ એન્ડ કોસ્મેટિક્સ એક્ટ ૧૯૪૫ ની કલમ ૧૫૯ (૧) ની જોગવાઈઓ અનુસાર, આ દવાઓનું ઉત્પાદન લાઇસન્સ તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે છે.
દિવ્યા ફાર્મસીને તાત્કાલિક અસરથી આ તમામ ઉત્પાદનોનું ઉત્પાદન બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે અને ફોર્મ્યુલેશનની મૂળ ફોર્મ્યુલેશન શીટ ઓથોરિટીને સબમિટ કરવી જોઈએ. ઉત્તરાખંડ ડ્રગ વિભાગના લાયસન્સ ઓથોરિટીના આદેશમાં, પતંજલિની દિવ્ય ફાર્મસીના ૧૪ ઉત્પાદનો છે, જેમના ઉત્પાદન લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.