લોકસભાની ચૂંટણીમાં હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે લોકશાહીના આ મહાપર્વમાં વધુને વધુ લોકો પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે મતદાન જાગૃતિના વિવિધ કાર્યક્રમો થકી મતદારોની સહભાગીતા વધે એ સુનિશ્ચિત કરવા જિલ્લા વહીવટી તંત્ર, સેવા ભાવિ સંસ્થાઓ, જાગૃત નાગરિકો તેમજ અનેક મંદિર ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અંતર્ગત વિવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે, ત્યારે કલોલ તાલુકાના વડસર ગામે આવેલા વડસર ગણપતિ મંદિર ખાતે મતદાન જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ મતદાન જાગૃતિના કાર્યક્રમ અંગે વાત કરતા આનંદમ્ પરિવારના અનિલ પટેલે કહ્યું કે, કલોલ તાલુકાના વડસર ગણપતિ મંદિર ખાતે આનંદમ્ પરિવાર અને વડસરના ગ્રામજનો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો હતો.
આ કાર્યક્રમમાં પધારેલા મહેમાનોમાં પુરુષો, મહિલાઓ અને નવા મતદારોને અવશ્ય મતદાન કરવા માટે પ્રેરિત કરવામાં આવ્યા હતા અને ‘મતદાનનો છે સંકલ્પ ૧૦૦ ટકા મતદાનનો અભિગમ’ના સૂત્રને પણ સાર્થક કરવામાં આવ્યું હતું તથા મતદારોને મતદાન કરવા માટે શપથ પણ લેવડાવવામાં આવ્યા હતા. આ અવસરે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ચોથ નિમિત્તે વડસર ગણપતિ મંદિરમાં ભગવાન શ્રી ગણેશના દર્શન પણ કર્યા હતા.