19 એપ્રિલ, 2024 ના રોજ ગુજરાતમાં ચૂંટણી લડનારા ઉમેદવારોના ફોર્મ ભરવાનો આખરી દિવસ હતો. જેમાં જામનગર લોકસભા સીટથી સતત બે ટર્મથી સાંસદ અને ત્રીજીવાર ચૂંટણી લડી રહેલા ભાજપના ઉમેદવાર પૂનમબહેન માડમે નોમિનેશન ફોર્મ સબમિટ કર્યું હતું. આ દરમિયાન તેમની સાથે મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ, કાર્યકર્તાઓ, સામાજિક આગેવાનો, શુભચિંતકો અને સમર્થકો પણ જોડાયા હતા.
હાલારના દીકરી તરીકેની લોકઉપમા અને લોકોના દિલોમાં પોતાની અમીટ છાપ ધરાવતા પૂનમબહેન માડમને ફરીથી ભાજપે સતત ત્રીજીવાર આ સીટ પરથી ટિકિટ આપી છે. મહત્વનું છે કે ગુજરાતમાં જ્યારે ભાજપની અગાઉની યાદી જાહેર થઈ ત્યારે પૂનમબહેનનું નામ પહેલી જ લિસ્ટમાં હતું. આમ છેલ્લા એક મહિના જેટલા સમયથી તેમનો પ્રચાર પણ શરૂ થઈ ગયો હતો. ત્યારે હવે 19 એપ્રિલના રોજ ઉમેદવારી ફોર્મ ભરવાનો આખરી દિવસ હોય પૂનમબહેને લોકસભા મધ્યસ્થ કાર્યાલય પહોંચી ફોર્મ ભર્યું હતું. ચૂંટણી ફોર્મ ભરવા જતા પહેલા પૂનમબહેને માતાના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ નિવાસ સ્થાનેથી તેઓ લોકસભા ચૂંટણીના મધ્યસ્થ કાર્યાલયે પહોંચ્યા હતા ત્યાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત આગેવાનો, કાર્યકરો, ટેકેદારો, શુભેચ્છકો સાથે મુલાકાત કરી જિલ્લા ચૂંટણી અધિકારી સમક્ષ ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું.
આ દરમિયાન તેમની સાથે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણા, પૂર્વ પ્રદેશ પ્રમુખ-પૂર્વમંત્રી આર.સી.ફળદુ, પૂર્વમંત્રી પ્રો. વસુબેન ત્રિવેદી, પૂર્વમંત્રી ચિમનભાઈ શાપરિયા, જામનગર તથા દ્વારકા જિલ્લા રાજપૂત સમાજના ઉપપ્રમુખ સી.આર.જાડેજા તેમજ પૂનમબેનના અંગત મદદનીશ રાચ્છ ઉપસ્થિત રહ્યા હતાં. આ વખતે રાજ્યના કેબિનેટ મંત્રી મૂળુભાઈ બેરા અને રાઘવજી પટેલ પણ હાજર રહ્યા હતા, ઉપરાંત જામનગર અને દેવભૂમિ દ્વારકાના તમામ ધારાસભ્યો દિવ્યેશભાઈ અકબરી, રિવાબા જાડેજા તેમજ મેઘજીભાઈ ચાવડા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, મેયર વિનોદભાઈ ખીમસૂર્યા,જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, સહિતના આગેવાનો જોડાયા હતા.
આ દરમિયાન મીડિયા સાથે વાત કરતાં પૂનમબહેને જણાવ્યું હતું કે “ગઈકાલનું સંમેલન હોય અથવા મારો ઉમેદવાર તરીકેનો પ્રવાસ જે પાછલા એક મહિનાથી થઈ રહ્યો છે એ પ્રવાસ હોય એમાં લોકોમાં ખૂબ જ ઉત્સાહ છે અને એક સમરસ વાતાવરણ હેઠળ, સકારાત્મક વાત લઈને જ અમે લોકો વચ્ચે જઈએ છીએ, ત્યારે મને ખાતરી છે કે ભૂતકાળમાં પણ જે રીતે નાગરિકોના આશીર્વાદ મળ્યા છે, એમનો વિશ્વાસ મળ્યો છે એ ફરીથી એક વખત મોદીજીના નેતૃત્વમાં મજબૂતીથી એમની આ વિકસિત ભારતની પરિકલ્પનામાં સમગ્ર હાલાર એટલે જામનગર લોકસભા જંગી લીડથી બધા જ આખો પરિવાર સમરસ રીતે પોતાની નોંધ કરાવી અને જોડાશે એની મને ખાતરી છે.” આમ છેલ્લી 2 ટર્મથી 12-જામનગર લોકસભાનું પ્રતિનિધિત્વ કરતાં પૂનમબહેન માડમે વધુ એકવખત પ્રચંડ લીડથી તેમની જીત થશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. તેમણે કહ્યું હતું કે પીએમ મોદીજીના વિકસિત ભારતના સંકલ્પમાં હાલાર પણ સહભાગી થશે અને દેશમાં વધુ એકવાર મોદી સરકાર બનશે.