ગુજરાત ગૌરવ દિન ઉજવણીના ઉપલક્ષ્યમાં આજે ભરૂચ જિલ્લાના શુકલતીર્થ ખાતે કબીરવડ વિકાસ પરિયોજના હેઠળ સમાવિષ્ટ કબીરવડ, મંગલેશ્વર, અંગારેશ્વર અને શુકલતીર્થ ઘાટના વિકાસ માટેના રૂપિયા ૪૦ કરોડના પ્રોજેકટનો પ્રારંભ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી કરાવ્યો હતો.
આ પ્રસંગે મુખ્યમંત્રીએ ભરૂચની વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓના ૭૩૨ જેટલા સ્વયં સેવકો અને ગ્રામજનો સાથે માઁ નર્મદાના તટની સફાઇ કરી અભિયાનમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે, શુકલતીર્થ ખાતેના આ સ્વચ્છતા અભિયાન હેઠળ બે કિ.મી. વિસ્તારમાં સેવાભાવી સંસ્થાઓ દ્વારા આઠ દિવસ સુધી સફાઇ કામગીરી અને વૃક્ષારોપણ કરવામાં આવનાર છે.
મુખ્યમંત્રીએ યાત્રાધામ શુકલતીર્થ ખાતે માઁ નર્મદાના પટમાં ધોવાણ અટકાવવા તેમજ પર્યાવરણ જતન માટે સામૂહિક વૃક્ષારોપણ કર્યું હતું. મુખ્યમંત્રી રૂપાણીએ કબીરવડની ધાર્મિક-ઐતિહાસિકતા વર્ણવતા જણાવ્યું કે, પૂણ્ય અને પ્રભાવશાળી તીર્થસ્થળોનો સંપૂર્ણ વિકાસ કરવાની સરકારની નેમ વ્યકત કરી હતી. તેમણે જણાવ્યું કે કબીરવડ પ્રવાસન વિકાસ પરિયોજના હેઠળ કબીરવડ, મંગલેશ્વર, અંગારેશ્વર તથા શુકલતીર્થ ઘાટનો રૂપિયા ૪૦ કરોડના ખર્ચે ઝડપથી વિકાસ કરાશે. મુખ્યમંત્રીએ ગુજરાતની જીવાદોરી માઁ નર્મદાની સતત સ્વચ્છતા અને સુંદરતા જળવાઇ રહે તે માટે રાજય સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, ૧૯૬૦ના મહાગુજરાત જનઆંદોલનના પ્રણેતા પૂ.રવિશંકર મહારાજ તથા ઇન્દુચાચા સહિત અનેક સપૂતોની શહાદતના ભોગે આપણને સ્વરાજ પ્રાપ્ત થયું છે, તેમ જણાવી આ મહાન સપૂતોને શ્રદ્ધાંજલિ આપી હતી. રાજયની અત્યાર સુધીની પ્રગતિમાં સહભાગી સૌને યાદ કરી ૫૮મા સ્થાપના દિન નિમિત્તે ગુજરાતીઓ સક્ષમ અને શક્તિશાળી બની સમૃદ્ધ ગુજરાતના નિર્માણમાં સહભાગી બને તેવી અપેક્ષા વ્યકત કરી હતી.
‘જળ એજ જીવન છે’ તેમ જણાવી સમૃદ્ધ ભાવિ પેઢીના ઘડતર માટે જીવવા લાયક પર્યાવરણ બનાવવું પડશે તેમ ઉમેરીને સૂજલામ્ સુફલામ્ જળસંચય અભિયાન હેઠળ સમગ્ર રાજયમાં આજથી લોકભાગીદારીથી શરૂ થયેલ અભિયાન હેઠળ નદી સફાઇ, નદીઓ જીવંત બનાવવાના ભગીરથ કાર્યને તન-મન-ધનથી ઉપાડી લેવા જનતાને અપીલ કરી હતી.
મુખ્યમંત્રીએ પાણી એ પ્રભૂનો પ્રસાદ છે ત્યારે એક-એક બુંદનો વિચારીને ઉપયોગ કરી પાણીદાર ગુજરાતનું નિર્માણ કરવાનું આહવાન કર્યું હતું.
નર્મદા નદી પર ભરૂચ નજીક રૂપિયા ત્રણ હજાર કરોડની ભાડભૂત યોજના સરકારે મંજૂર કરી છે. જે સાકાર થતાં આગામી દિવસોમાં આ વિસ્તારમાં વિકાસના દ્વાર ખૂલી જશે. માછીમારોના પ્રશ્ને સરકાર સતત ચિંતીત છે તેમ જણાવી રાજયના વિકાસમાં કોઇ રોડા નાંખી ન જાય તેની ખાસ કાળજી રાખવા ઉપસ્થિત સૌને અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સાંસદ મનસુખભાઇ વસાવા, ધારાસભ્ય અરૂણસિંહ રાણા, પક્ષ પ્રદેશ મહામંત્રી ભરતસિંહ પરમાર, પૂર્વ ધારાસભ્ય રમેશભાઇ સહિત અગ્રણીઓ-અધિકારીઓ મોટી સંખ્યામાં જનમેદની ઉપસ્થિત રહી હતી.