પૂજ્ય મોરારી બાપૂને નજીકથી સાંભળવાનો મોકો ફરી એકવાર શ્રોતાઓને અમદાવાદના આંગણે પ્રાપ્ત થયો હતો. ઠાકોરભાઈ દેસાઈ હૉલ, લૉ ગાર્ડન ખાતે રેખ્તા ફાઉન્ડેશનની ગુજરાતી ભાષા-સાહિત્યની પહેલ ‘રેખ્તા ગુજરાતી’ના શુભારંભ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે પૂજ્ય બાપૂની વિશેષ ઉપસ્થિત રહી હતી. પૂજ્ય મોરારી બાપૂએ આ શુભ પ્રસંગે અનેક જૂની વાતો અને ગુજરાતી ભાષાના કવિઓ તથા તેમની કવિતાઓનું રસપાન કરાવ્યું હતું. ગુજરાતી ભાષાના આ કાર્યક્રમ નિમિત્તે તેમણે કહ્યું કે, આ કાર્યક્રમને જોવા સમજવા માટે એક હોલમાં આટલી મોટી ભીડ ઉપસ્થિત છે તે સ્વયંભૂ છે. અમને આનંદ થાય છે કે ગુજરાતી ભાષાના દિવાને નમન કરવાવાળા યુવાન છે. આ સાથે તેમણે અગાઉ કરેલી કથા અને ત્યારબાદ હિન્દી તથા ગુજરાતી તથા ઉર્દૂ કવિતાના કવિઓ સાથેની બેઠક અને એ સમયના કવિતઓની કવિતાઓનું પણ રસપાન કરાવ્યું હતું. એટલું જ નહીં બાપૂએ દરેક સાહિત્ય અને ભાષાને મહત્વ આપવું જોઈએ તેવો સંદેશો આપ્યો હતો.
આ સાથે ગની સાહેબની ગઝલને યાદ કરતા કહ્યું હતું કે, “જો હૃદયની આગ વધી ગની, તો ખુદ ઈશ્વરે જ કૃપા કરી, જો કોઈ શ્વાસ બંધ કરી ગયું, કે પવન ન જાય અગનની સ્થિતિ.” ગની સાહેબ વિશે કહ્યું હતું કે, તેમનું કદ નાનું પણ પદ મોટું હતું, ગની સાહેબ તલગાજરડા રોકાતા હતા. તેઓ એવા સાયર હતા જેમને બધાને એક કર્યા અને વિસરીત કર્યા હતા. ગની સાહેબ તેમની મૌલિક પ્રસ્તુતિઓ કહેતા હતા.
આમ પૂજ્ય મોરારી બાપૂએ કેટલીક મહત્વની વાત સાહિત્ય, ભાષા તથા કવિઓને લઈને કરી હતી. મોરારી બાપૂને સાંભળવા માટે મોટી સંખ્યામાં શ્રોતાઓ તરબોળ જોવા મળ્યા હતા. તેમને નજીકથી બાપૂને સાંભળવાનો મોકો ફરી એકવાર અમદાવાદમાં મળ્યો હતો. રેખ્તા ફાઉન્ડેશનની ગુજરાતી ભાષા-સાહિત્યની પહેલ ‘રેખ્તા ગુજરાતી’ના શુભારંભ પ્રસંગે ઠાકોરભાઈ દેસાઈ હોલ, ખાતે પૂજ્ય બાપૂ ઉપરાંત તુષાર મહેતા સૉલિસિટર જનરલ ઑફ ઇન્ડિયા અને સંજીવ સરાફ સંસ્થાપક, રેખ્તા ફાઉન્ડેશન, અતિથિ વિશેષ પરેશ રાવલ અને રઘુવીર ચૌધરી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા તથા સંગીત સંધ્યા ઓસમાણ મીર તથા સંચાલન રઈશ મનીઆર દ્વારા કરાયું હતું. આ દરમિયાન તુષાર મહેતાએ બાપૂ વિશેની કેટલીક મહત્વની બાબતો જણાવી હતી અને તેમના વખાણ કર્યા હતા. આ સાથે પૂજ્ય મોરારી બાપૂએ કહ્યું હતું કે, રઘુવીર ચૌધરી, રેખ્તા ગુજરાતી મારા તલગાજરડા આશ્રમ આવે અને આખે આખો 2 કે 3 દિવસનો માત્રને માત્ર યુવા પેઢીને અનુરૂપ કાર્યક્રમ કરીએ તેમ પણ તેમણે કહ્યું હતું.