અમિતાભ બચ્ચન સદીના મહાનાયકે ખુલાસો કર્યો છે કે તેમણે ઋષિકેષ મુખર્જીની ફિલ્મ આનંદ સહિત ઘણીબધી ફિલ્મોમાં પોતાના ખરીદેલા કપડા પહેરીને શૂટિંગ કર્યું છે. તે સમયે ફિલ્મના બજેટ ખૂબ ઓછા રહેતા જેથી દરેક ફિલ્મ સ્ટાર માટે નવા કપડા ડિઝાઇન કરાવવા શક્ય ન હતા.
મુંબઇમાં થયેલી પત્રકારો સાથેની વાતચીતમાં અમિતાભ બચ્ચને જણાવ્યુ હતુ કે તે જ્યારે ઋષિકેશ મુખર્જીની ફિલ્મોમાં કામ કરતા હતા ત્યારે, તેમને પોતાના કપડા પહેરીને જ શૂટિંગ કરવું પડતું હતું, કારણકે ઋષિકેશજી ખુબ ટાઇટ બજેટ વાળી ફિલ્મો બનાવતા હતા. તે સિવાય અમિતાભ બચ્ચને ખુલાસો કર્યો હતો કે, ઋષિકેશજી કલાકારોને એવુ કહી દેતા હતા કે જો વધારે રિ-ટેક કર્યા તો રીલના પૈસા પણ કલાકારોએ જ ચૂકવવા પડશે. અમિતાભે આનંદ, ચૂપકે ચૂપકે, મિલી, આલાપ, નમક હરામ, અભિમાન જેવી સુપરહિટ ફિલ્મોમાં પોતાના કપડા પહેરીને જ શૂટિંગ કર્યુ હતુ. તે સમયના ડિરેક્ટર પાઇ-પાઇનો હિસાબ રાખતા હતા અને રીલ વેસ્ટ થવા પર ખૂબ નારાજ થતા હતા.
હાલમાં અમિતાભ બચ્ચન ૧૦૨ નોટ આઉટના પ્રમોશનમાં વ્યસ્ત છે. ફિલ્મના ગીત બડુમ્બા તેમણે કંપોઝ કર્યુ છે અને ગાયુ પણ છે. નિર્દેશક ઉમેશ શુક્લએ જણાવ્યુ હતુ કે બચ્ચન સાહેબ આ ગીત ગાવામાં ખુબ રસ ધરાવી રહ્યા હતા, માટે ઋષિ કપૂર સાથે મળીને આ ગીતને ગાયુ. હવે ૪ મેના રોજ જ્યારે રિલીઝ થશે ત્યારે એક નવા જ અવતારમાં અમિતાભ જોવા મળશે.