અમદાવાદઃ ભારતના અમદાવાદ અને યુકેના કેમ્બ્રિજમાં ઉપસ્થિતિ ધરાવતા તથા ઉભરતી લાઇફ સાયન્સ અને ટેક કંપનીઓમાં અગ્રણી રોકાણકાર o2h ગ્રૂપે અમદાવાદમાં છઠ્ઠી o2h કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કર્યું હતું, જેમાં વિવિધ ક્ષેત્રોના સહભાગીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. આ કોન્ફરન્સ ચર્ચા, વિચારોના આદાન-પ્રદાન અને નેટવર્કિંગની તકો માટેનું એક મજબૂત પ્લેટફોર્મ સાબિત થઇ હતી, જેનો ઉદ્દેશ્ય સહયોગાત્મક ઇનોવેશનને સરળ બનાવવાનો હતો. આ કોન્ફરન્સમાં ફ્રી ટ્રેડ, વૈશ્વિક બાયોટેક ઇકોસિસ્ટમમાં ભારતની ભૂમિકા, કેન્સર રિસર્ચમાં પ્રગતિ, જનરેટિવ AIનું ભાવિ, યુવાનોના શિક્ષણ અને કૌશલ્ય વિકાસમાં વ્યવસાયોની મહત્વતા સહિતના વિષયોને આવરી લેતાં રસપ્રદ સેશન અને ચર્ચાઓ થઇ હતી.
o2h ગ્રૂપના સહ-સ્થાપક પ્રશાંત શાહે ઇનોવેશનને બળ આપવામાં સહકારની મહત્વતા ઉપર ભાર મૂકતાં જણાવ્યું હતું કે, ઇનોવેશન આપણી જીવનશૈલીને બળ આપે છે. દર વર્ષે અમે ઇનોવેશન કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ તથા o2h ખાતે અમે એકલા નહીં, પરંતુ બીજા સાથે મળીને કામ કરવામાં ખુશી અનુભવીએ છીએ. તેનાથી વિચારોના આદાન-પ્રદાનને બળ મળે છે, જે નવા ઇનોવેશનને જન્મ આપે છે. મને વિશ્વાસ છે કે આ ચર્ચાઓ સમાજ અને વિશ્વભરમાં સકારાત્મક પ્રભાવ પેદા કરવામાં ખૂબજ ઉપયોગી નિવડશે. ગુજરાત અને રાજસ્થાનના બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમીશનર સ્ટિફન હિકલિંગ, ગુજરાત સ્ટેટ બાયોટેક્નોલોજી મીશનના જોઇન્ટ ડાયરેક્ટર ડો. અનસુયા ભાડલકર અને જીવીએફએલના પ્રેસિડેન્ટ મિહિર જોશી સહિતના પ્રતિષ્ઠિત વક્તાઓએ આ કોન્ફરન્સમાં તેમના વિચારો વ્યક્ત કર્યાં હતાં.
આ કોન્ફરન્સમાં ટ્રાઇથલોન કોચ ઇન્જિત આનંદ અને ટાટા જૂથ-પ્રમોટેડ ફાર્મા રિસર્ચ કંપની એડવિનસ થેરાપ્યુટિક્સના સહ-સ્થાપક રશ્મી બારભૈયા વચ્ચે રસપ્રદ ચર્ચા થઇ હતી. આ કોન્ફરન્સના પ્રભાવ વિશે વાત કરતાં શાહે જણાવ્યું હતું કે, અમે અમદાવાદ, કેમ્બ્રિજ (યુકે) અને બોસ્ટનને જોડતાં ઇનોવેટર્સ કમ્યુનિટીની રચનામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતાં ઉત્સાહિત છીએ. તેનાથી આ ઇકોસિસ્ટમને ઇનોવેશન માટે ભેગા મળીને કામ કરવા માટે પ્રોત્સાહન મળવાની આશા છે.
આ છઠ્ઠી કોલોબોરેટિવ ઇનોવેશન કોન્ફરન્સમાં સાયન્સ, ટેક્નોલોજી, આર્ટ, એકેડેમિયા, આંત્રપ્રિન્યોરશીપ, સોશિયલ એન્ટરપ્રાઇઝ, નોન-પ્રોફિટ, ઇન્વેસ્ટમેન્ટ, મીડિયા, ગવર્નમેન્ટ, ક્રિએટિવ, એન્જિનિયરીંગ, લો, આર્કિટેક્ચર, ફાઇનાન્સ અને બિગ બિઝનેસ સહિતના ક્ષેત્રોમાં કાર્યરત મહાનુભાવો ઉપસ્થિત થયાં હતાં. o2h ગ્રૂપ બાયોટેક, ટેકબાયો અને ગ્રીન ઇનોવેશન સહિત ઉભરતી લાઇફ સાયન્સ અને ટેક કંપનીના પ્રોત્સાહન અને તેમાં રોકાણને જબરદસ્ત ટ્રેક રેકોર્ડ ધરાવે છે. તેનો ઉદ્દેશ્ય લાઇફ સાયન્સ, ટેક્નોલોજી અને ગ્રીન ઇનોવેશનમાં સહ-રોકાણ, સહ-સર્જન અને સહ-કામગીરી દ્વારા નવા વિચારોને બળ આપીને તેમની કામગીરીના વિસ્તરણમાં મદદરૂપ બનવાનો છે. તે ફંડિંગ, અમલીકરણ અને ઇન્ક્યુબેશન દ્વારા નવા વિચારોને પ્રોત્સાહિત કરે છે તથા છેલ્લાં એક દાયકામાં ઇનોવેશન ક્ષેત્રે બેજોડ ટ્રેક રેકોર્ડ ધરાવે છે.