વડોદરા શહેર નજીક આવેલા પદમલા ગામમાં ગત રાત્રે નીકળેલા દલિત સમાજના યુવકના લગ્નના વરઘોડાનો વિરોધ કરતા પદમલા ગામના કેટલાક સવર્ણઓએ વરઘોડા કાઢવાનો વિરોધ કરી જાનૈયાઓ સાથે ઝઘડો કરી પથ્થરમારો કરતાં દોડધામ મચી હતી. પથ્થરમારાના પગલે ત્રણ જાનૈયાઓને ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. બીજી તરફ આ બનાવની જાણ થતાં છાણી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. આજે પણ ગામમાં ઉશ્કેરાટભર્યો માહોલ રહેતા દિવસ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
ઘટનાની વિગત એવી છે, વડોદરામાં આવેલા પદમલાગામના વણકરવાસમાં રહેતાં રમેશભાઈ ડાહ્યાભાઈ પરમાર કડિયાકામ કરે છે. ગઈ કાલે તેમની ભત્રીજીનું ગામમાં લગ્ન હોઈ રાત્રે બાર વાગે ગામમાં જાન આવી હતી. જાનનું સામૈયુ કર્યા બાદ બેન્ડબાજા સાથે નીકળેલો વરઘોડો લગ્નસ્થળે જવા માટે નીકળ્યો હતો. આશરે સવા બાર વાગે વરઘોડો પદમલા ગામમાં દૂધની ડેરી પાસેથી પસાર થતો હતો તે સમયે ત્યાં હાજર પદમલા ગામમાં રહેતા ક્ષત્રીય સમાજના મણીલાલ મેલાભાઈ જાદવ, રમેશ શાંતિલાલ , રાકેશ ઉર્ફ ભોપો રામાભાઈ , મહેશ જગદીશ જાદવ અને પિયુષ વિટ્વલભાઈ સહિતના ૨૫થી ૩૦ યુવકોના ટોળાએ વરઘોડાને આંતર્યો હતો. તેઓને જાનૈયાનો જાતિ વિરુધ્ધ અપમાનજનક શબ્દો કહીને જણાવ્યું હતું કે તમને ચેતવણી આપ્યા પછી પણ કેમ વરઘોડો કાઢ્યો છે? તેઓએ અપશબ્દોનો મારો ચલાવી જાનૈયાઓને કહ્યું હતું કે ચેતવણી આપવા છતાં વરઘોડો કાઢ્યો છે ને તો હવે જુઓ અમે શું કરીએ છે તેવી ધમકી આપી હતી.
આ યુવકોનો કેટલાક જાનૈયાઓએ વિરોધ કરતા જ ધમકી આપનાર યુવકોના ટોળાએ અચાનક પથ્થરમારો શરૂ કર્યો હતો. પથ્થરમારાના પગલે જાનૈયાઓમાં ગભરાટ સાથે નાસભાગ મચી હતી. જાનમાં હાજર મહિલાઓ અને બાળકોએ ચિચિયારીઓ સાથે બચાવ માટે દોડધામ મચાવી હતી. ટોળાએ વરઘોડામાં ઘાડાગાડીવાળી બગી પર પથ્થરમારો કરતાં વરરાજાને પણ બગીમાંથી નીચે ઉતરી જવાની ફરજ પડી હતી. પથ્થરમારામાં ત્રણ જાનૈયાઓને પણ ઓછીવત્તી ઈજાઓ પહોંચતા તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જાન પર પથ્થરમારાની જાણ થતાં વણકરવાસના રહીશો અને કન્યા પક્ષના મહેમાનો પણ દૂધ ડેરી પાસે દોડી આવ્યા હતા જેના પગલે પથ્થરમારો કરી રહેલા યુવકો અંધારામાં પલાયન થયા હતા.
આ બનાવની જાણ કરાતા જ છાણી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો જેના પગલે પરિસ્થિતિ થાળે પડી હતી. આ બનાવની રમણભાઈની ફરિયાદના આધારે પોલીસે પથ્થરમારો કરનાર ઓળખાયેલા ઉક્ત પાંચ યુવકો સહિતના ટોળા સામે ગુનો નોંધી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.