ચાલુ વર્ષના અંતમાં મધ્યપ્રદેશમાં ચૂંટણી આવવાની છે તેના અનુસંધાને પક્ષમાં માળખાગત પરિવર્તનને ધ્યાનમાં લઈને કોંગ્રેસે તેમના વરિષ્ઠ નેતા કમલનાથને તેમના મધ્યપ્રદેશ એકમના પ્રમુખપદે નિમ્યા છે.
જ્યારે જ્યોતિરાદિત્ય સિંધિયાને પ્રચાર સમિતિના વડા બનાવ્યા છે. તેમણે ગિરિશભાઈને ગોવા પ્રદેશ કોંગ્રેસ સમિતિના વડાપદે નિમ્યા છે. તેમણે થોડા દિવસ પૂર્વે રાજીનામું આપનારા શાંતારામ નાઇકનું સ્થાન લીધું છે.
એ.આઇ.સી.સી.ના મહામંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે, કોંગ્રેસના વડા રાહુલ ગાંધીએ મધ્યપ્રદેશમાં કમલનાથની પી.સી.સી. પદે નિમણુક તેમજ જ્યોતિરાદિત્ય સિંધિયાની રાજ્યની પ્રચાર સમિતિના ચેરમેનપદે નિમણૂકને માન્યતા આપી દીધી છે. પક્ષે મધ્યપ્રદેશમાં ચાર ‘વર્કિંગ પ્રેસિડેન્ટ’ની નિમણૂક કરી છે જેમાંબાલા બાછાન, રામનિવાસ રાવત, જીતુ પટવારી અને સુરેન્દ્ર ચૌધરીને નિમવામાં આવ્યા છે.
રાજ્યમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીના થોડા માસ પૂર્વે આ નિમણૂક કરવામાં આવી છે કેમ કે કોંગ્રેસ રાજ્યમાં ભાજપ પાસેથી સત્તા પ્રાપ્ત કરવા પ્રયાસરત રહે છે. જો કે રાજ્યમાં મુખ્યપ્રધાનપદના દાવેદાર હજી નક્કી થયા નથી પણ હાલ કમલનાથ અને સિંધિયાના નામો મોખરે છે.