24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી સમસ્ત ભક્તજનો ‘માનસ રામ મંદિર’ કથાનું રસપાન કરશે
જાણીતા આધ્યાત્મિક ગુરુ અને શ્રી રામના પરમ સાધક પૂજ્ય મોરારી બાપુ 24 ફેબ્રુઆરીથી 3 માર્ચ સુધી અયોધ્યામાં ભક્તોને પવિત્ર માનસ રામ મંદિર કથાનું રસપાન કરાવશે. તાજેતરમાં જ અયોધ્યામાં ભવ્ય રામ મંદિરની સંપન્ન થયેલી પ્રાણપ્રતિષ્ઠા પછી આ રામકથાનું આયોજન થવા જઈ રહ્યું છે. આ મહોત્સવ નિશ્ચિતપણે આ ધાર્મિક નગરીના આધ્યાત્મિક વારસાને મજબૂત બનાવશે અને તેની મહત્તાને વધારશે. પોતાના ગહન જ્ઞાન અને રામચરિતમાનસની આધ્યાત્મિક તથા પ્રેરણાદાયી કથાઓ માટે વિશ્વભરમાં ખ્યાતિ તેમજ સન્માન ધરાવતા આદરણીય મોરારી બાપુ તેમની હાજરીથી અયોધ્યાની પવિત્ર ભૂમિની શોભામાં અભિવૃદ્ધિ કરશે. અયોધ્યામાં રામ મંદિર નિર્માણના લાંબા સમયથી ચાલી રહેલા આંદોલનમાં સતત ખડે પગે સહાયમાં રહેલા સંગઠન રામ જન્મભૂમિક ન્યાસ તરફથી તેમને ‘માનસ રામ મંદિર’ કથા કરવા માટે હાર્દિક નિમંત્રણ મળ્યું હતું જેનો તેમણે સહર્ષ સ્વીકાર કર્યો હતો.
પૂજ્ય મોરારી બાપુએ ભગવાન રામ તથા રામાયણના જ્ઞાનના પ્રસાર માટે પોતાના જીવનના 64 વર્ષ સમર્પિત કર્યા છે. તેઓ અત્યારસુધી વિશ્વભરના અનેક દેશોમાં 931 રામકથાઓ યોજી ચૂક્યા છે અને પોતાની રામકથાના માધ્યમથી સભ્ય તથા સુસંસ્કૃત સમાજના નિર્માણ માટે તેમણે કરોડો લોકોમાં ઉચ્ચ માનવ મૂલ્યોનું સિંચન કર્યું છે. આ મહત્વપૂર્ણ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુએ ખૂબ જ આનંદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે “મારા માટે આ ખૂબ જ ખુશીની વાત છે કે મને અયોધ્યામાં માનસ રામ મંદિર કથા સંભળાવવાની એક અનોખી તક મળી છે. છેલ્લા છ દાયકા કરતાં વધુ સમયથી મારી અંતઃકરણથી એવી ઇચ્છા રહી છે કે અયોધ્યા નગરીમાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થાય પછી મને ત્યાં જ રામકથા યોજવાનો મોકો મળે. મારા સમગ્ર જીવનકાળ દરમિયાન મેં હજુ સુધી કોઈ મંદિરના શુભારંભ માટે ભારતભરમાં આટલો ભવ્ય ઉત્સવ મનાવાયો હોય તેવું કદી જોયું નથી. થોડાક મહિના પહેલા રામ જન્મભૂમિ ટ્રસ્ટ દ્વારા મને રામકથાનું પઠન કરવા માટેનું નિમંત્રણ મળ્યું હતું જેનો મેં હૃદયપૂર્વક સ્વીકાર કર્યો હતો.”
તેમણે ઉમેર્યું હતું કે “રામ કેવળ એક ઐતિહાસિક વ્યક્તિ જ નથી, રામ એક સાધુ છે, રામ સત્યસ્વરૂપ છે, રામ પુરુષાર્થનું પ્રતીક છે. પોતાની અપાર ઉદારતા દર્શાવતા રામે સમાજના દરેક વર્ગના જીવ, ચાહે તે કેવટ, શબરી, વાનર કે વિભિષણ જેવા રાવણની સેનાના અસુર જ કેમ ન હોય, સૌને પૂરા ભાવ સાથે સ્વીકાર્યા છે. રામ સૌના છે અને સૌ રામના જ છે. આપણે જો એક સામાન્ય બાળકને પણ ભગવાનનું સ્વરૂપ માનતા હોય તો જરા વિચારો કે જો પરમતત્વ પરમાત્મા એક બાળકનું સ્વરૂપ લઈ લે તો તેનું શબ્દોમાં વર્ણન કરવું શક્ય જ નથી. રાજા રામ હંમેશા પૂજનીય છે પરંતુ રામલલાનું સ્વરૂપ શિવતત્વરૂપી છે. રામ મંદિરથી એક નવા યુગનો પ્રારંભ થયો છે અને મને લાગે છે કે ભારતના માધ્યમથી હવે સમગ્ર વિશ્વનું કલ્યાણ થવાનું છે.”
22મી જાન્યુઆરીએ અયોધ્યામાં રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારંભમાં દેશભરના સાધુ-સંતોએ હાજરી આપી હતી ત્યારે આ શુભ પ્રસંગે પૂજ્ય મોરારી બાપુ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ આયોજન ભારતના સાંસ્કૃતિક, ધાર્મિક અને આધ્યાત્મિક વારસામાં એક મહત્વની ક્ષણ હતી. પૂજ્ય મોરારી બાપુએ મંદિરમાં રામલલાના મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને સમગ્ર વિશ્વ માટે ‘ત્રેતા યુગ’નો પ્રારંભ ગણાવ્યો હતો.