સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૬૦૦ થઈ જતાં ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે
રાજકોટ : રાજકોટમાં આજે ખુલતા બજારે સીંગતેલના ભાવમાં મોટો ભડકો થયો છે. સીંગતેલના ભાવમાં એક-બે નહિ, પણ સીધા ૫૦ રૂપિયાનો વધારો ઝીંકાયો છે. માર્કેટમાં બે દિવસમાં રૂપિયા ૫૦ નો ભાવ વધારો સીંગતેલમાં જાેવા મળ્યો છે. જેથી સીંગતેલના ડબ્બાનો ભાવ રૂપિયા ૨૬૦૦ થઈ ગયો છે. મગફળીના ભાવમાં નજીવો વધારો થતાં સીંગતેલમાં ભાવ વધ્યા હોવાનું વેપારીઓનું કહેવું છે. ગત વર્ષમાં તેલના ભાવોમાં સતત વધારા ઝીંકાઈ રહ્યાં છે. જેને કારણે નાગરિકો પર મોંઘવારીનો માર પડી રહ્યો હતો. પરંતુ લાંબા સમયથી ખાદ્યતેલના ભાવ અંકુશમાં હતા. પરંતુ હવે ૨૦૨૪ માં ફરી આ વધારો ચાલુ થયો છે. આ વર્ષમાં પહેલીવાર તેલના ભાવમાં વધારો ઝીંકાયો છે. સીંગતેલના ભાવમાં સીધો ૫૦ રૂપિયાનો વધારો થતા ગ્રાહકો પર આ બોજાે પડશે. તેનાથી ગૃહિણીઓના બજેટને સીધી અસર પડશે. દેશમાં ભલે પ્રીમિયમ પ્રોડક્ટની માંગ વધી રહી છે, પરંતુ લોકોએ મોંઘવારી વધતા જીવન જરૂરિયાતી વસ્તુઓ પર કાપ મૂક્યો છે. લોકોએ ખાણીપીણી, સાબુ-શેમ્પૂ, સિંગતેલ, ચા વગેરેના ખર્ચ પર મોટો કાપ મૂક્યો છે. બેંક ઓફ બરોડાના એક રિપોર્ટ અનુસાર, લોકોએ આવક ઘટતા પોતાની આદતો બદલી છે. મોંઘવારી વઘતા તેની અસર વોશિંગ પાવડર, ટૂથપેસ્ટ, સાબુ, મેગી જેવી વસ્તુઓ પર પડી છે. હેર ઓઈલ, ખાદ્યતેલ, શેમ્પૂ, ચા ઉપરાંત સિગારેટ, દારૂ પર કાપ મૂકાયો છે. કારણ છે લોકોની આવકમાં ઘટાડો. આવક ઘટવાને કારણે લોકો ગૃહ ઉપયોગી સામાનમાં મોટા પેકને બદલે નાના પાઉચની માંગ કરી રહ્યાં છે. આ ઉપરાંત આઈસ્ક્રીમનો વપરાશ પણ ઘટ્યો છે.
ફરી સિંગતેલના ભાવમાં વધારો, બે દિવસમાં ડબ્બે ૫૦ રૂપિયા વધ્યા
