શિક્ષકોની ભરતી મુદ્દે ગુજરાત કોંગ્રેસ વિધાનસભામાં આક્રમક મૂડમાં જાેવા મળી
ગાંધીનગર : ગુજરાતમાં શિક્ષણ સાવ ખાડે ગયું તેના પુરાવા ખુદ ગુજરાત સરકારે વિધાનસભામાં આપ્યા છે. આ સાથે જ સરકારે સભામાં સ્વીકાર્યું કે, રાજ્યમાં ૧૩ હજાર શિક્ષકોની ઘટ છે. કોંગ્રેસ દ્વારા પૂછાયેલા સવાલોના સરકારે જવાબ આપ્યા. ૧૬૦૬ શાળાઓ એક શિક્ષકથી ચાલતી હોવાનો સ્વીકાર રાજ્ય સરકારે કર્યો છે. કોંગ્રેસના ધારાસભ્ય તુષાર ચૌધરીના પ્રશ્નના જવાબમાં શિક્ષણ મંત્રી કુબેર ડીડોરે જણાવ્યું કે, ૦૬૦૬ શાળાઓ નિયમિત શાળાઓ જ છે આ શાળાઓમાં શિક્ષકને વતનનો લાભ આપવા સહિતના મુદ્દાઓને કારણે શિક્ષકોની સંખ્યા ઘટી છે, આ માટે જલ્દી ભરતી કરવામાં આવશે. અમદાવાદમાં પણ ૧૭, ભરૂચમાં ૧૦૨, બોટાદમાં ૨૯, છોટાઉદેપુરમાં ૨૮૩, દાહોદમાં ૨૦, ડાંગમાં ૧૦ અને ગાંધીનગરમાં શાળાઓમાં શિક્ષકોની ઘટ છે. ૫.૩ ટકા શાળાઓમાં એક જ શિક્ષક હોવાનો સ્વીકાર સરકારે કર્યો છે. કોંગ્રેસના શૈલેષ પરમારે પ્રશ્ન કર્યો હતો કે, એક શિક્ષકથી શાળા ચાલતી હોય તેવી શાળાઓ ૨૦૨૨ માં ૭૦૦ હતી તેની સામે આજે એક શિક્ષકથી શાળાઓની જગ્યા વધી રહી છે. આજે આ આંકડો ૧૬૦૬ પર પહોંચી ગયો છે. શિક્ષકોની ભરતી મુદ્દે આજે ગુજરાત કોંગ્રેસ વિધાનસભામાં આક્રમક મૂડમાં જાેવા મળી. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓએ પોસ્ટર્સ સાથે વિરોધ પ્રદર્શન કર્યું. સાથે જ ‘ભરતી કરો’ ના નારા સાથે વિરોધ પ્રદર્શન કર્યું છે. કોંગ્રેસ ટેટ ટાટ ઉમેદવારોના સમર્થનમાં આવ્યું છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે, ગુજરાતના પ્રાથમિક શાળામાં એક શિક્ષકની કેટલી સ્કૂલો ચાલે છે. ૧૬૦૬ શાળાઓ છે જે એકજ શિક્ષકોથી ચાલે છે. ૧૬૦૬ મુખ્ય શાળા છે, જેમાં ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ ભણે છે. આઈએએસ અધિકારીઓએ રીપોર્ટ કર્યો હતો કે વિદ્યાર્થીઓ વાંચી શક્તા નથી. ગુજરાતમાં પ્રાથમિક શિક્ષણનું સ્તર કથળ્યું છે. છોટાઉદેપુર જિલ્લો અને દ્વારકામાં સૌથી વધારે એક-એક શિક્ષકથી કામ ચાલી રહ્યું છે.