ભરૂચઃ:- ૧ લી મે સ્થાપના દિવસ અને ગુજરાત ગૌરવ દિવસની ઉજવણી ભરૂચ ખાતે ભવ્યાતિભવ્ય રીતે થશે. જેના માટેની સંપુર્ણ તૈયારીઓ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી હોવાનું ભરૂચ કલેકટર રવિ કુમાર અરોરાએ જણાવ્યું છે. ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે મુખ્યમંત્રી સુજલામ સુફલામ જળસંચય અભિયાન, મુખ્યમંત્રીમંત્રી એપ્રેન્ટીશશીપ યોજના, એલએનજી અને એલપીજી યોજનાનો રાજયવ્યાપી પ્રારંભ કરાવશે.
ભરૂચ કલેકટર ઓફિસ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં કલેકટરએ જણાવ્યું હતું કે, ૧ લી મે સ્થાપના દિવસ અને ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ ખાતે યોજનારા કાર્યક્રમમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ત્રણ મહત્વાકાંક્ષી યોજનાઓનો પ્રારંભ કરાવશે. અંકલેશ્વર તાલુકાના કોસમડી તળાવ ખાતે મુખ્યમંત્રીની સવારે ૮-૩૦ વાગે અંકલેશ્વર ખાતે સુજલામ સુફલામ જળ અભિયાનનો કોસમડી તળાવ ખાતે શ્રમદાન કરી, રાજયવ્યાપી પ્રારંભ કરાવશે. ૨૭ હેકટર તળાવમાં અઢીલાખ લીટર પાણી છે. તળાવને ઉડું કરીને ૧૭ કરોડ લીટર પાણીનો સંગ્રહ કરવાનું આયોજન છે. જેનાથી છ ગામના લોકોને પીવાનું પાણી મળી રહેશે.
મુખ્યમંત્રી તેમજ સવારે ૧૦-૩૦ વાગે કબીરવડ વિકાસ પરિયોજના હેઠળ યાત્રાધામ શુકલતીર્થ ખાતે નદીના પટમાં ધોવાણ અટકાવવા અને પર્યાવરણ જતન માટે સામુહિક વૃક્ષારોપણ તેમજ શુકલતીર્થ, કબીરવડ, મંગલેશ્વર અને અંગારેશ્વર યાત્રાધામોના વિકાસ માટે રૂા.૪૦ કરોડના પ્રોજેકટનો પ્રારંભ કરાવશે. શુકલતીર્થ ખાતે બે કિમી વિસ્તારમાં સફાઇ સેવાભાવી સંસ્થાઓ આઠ દિવસ અભિયાન કરશે અને વૃક્ષારોપણ પણ થશે.
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે, ભરૂચ હોશ્ટેલ ગ્રાઉન્ડ ખાતે બપોરે ૧૨ વાગે મુખ્યમંત્રી એપ્રેન્ટીશશીપ યોજનાનો પ્રારંભ મુખ્યમંત્રીના હસ્ત થશે. જેમાં ભરૂચ જિલ્લાના પાંચ હજાર યુવાનોને ખાનગીક્ષેત્રમાં એપ્રેન્ટીસનો લાભ આપવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રીના હસ્તે પીએનજી/એલપીજી યોજના હેઠળ ૬પ૦ અને પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના હેઠળ જિલ્લાના બે હજાર લાભાર્થીઓને લાભ આપવામાં આવશે. ભરૂચ જિલ્લામાં અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી ઉજ્જલા યોજના હેઠળ પ૭ હજાર ઉપરાંત લાભાર્થીઓને ગેસ જોડાણ આપવામાં આવ્યા છે. હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે વાયબ્રન્ટ ભરૂચ પ્રદર્શનનું પણ આયોજન થયું છે.
રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાંજે પ-૦૦ વાગે ઝાડેશ્વર સાંઇ મંદિર ખાતે પોલીસ પરેડ અને અને ગુજરાત ગૌરવયાત્રાને ફલેગ ઓફ કરાવશે. ગૌરવયાત્રામાં પોલીસ અધિકારીઓ/કર્મચારીઓની પોલીસ વિભાગની ૨૪ પ્લાટુનો ભાગ લેશે. જેમાં ચેતક કમાન્ડો, અશ્વદળ પ્લાટુન, મોટર સાયકલ સ્ટન્ટન્ટ, આદિવાસી નૃત્ય મંડળીઓ અને વિવિધ જિલ્લામાંથી આવેલા નવ બહેન્ડ પ્લાટુનો ભાગ લેશે. બે કિમીની ગૌરવયાત્રામાં ૧૫૦૦ જેટલા પોલીસ અધિકારી/કર્મચારીઓ સહિત આદિવાસી નૃત્યમંડળીના કલાકારો ભાગ લેશે.
ભરૂચની ઐતિહાસિક વિરાસત અને ભરૂચની સંસ્કૃતિને ઉજાગર કરતા ભવ્યાતિભવ્ય ભવ્ય ભરૂચ સાંસ્કૃતિક કાર્યક્રમ કૃષિ યુનિવર્સિટી મેદાન ખાતે સાજં ૭ વાગે કાર્યક્રમ યોજાશે. જેમાં ભરૂચમાં નામના મેળવી હોય એવા નામાંકિતોનું રાજયપાલ ઓ.પી.કોહલી અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના હસ્તે સન્માનિત કરવામાં આવશે. ‘ભવ્ય ભરૂચ’ થીમ આધારિત કાર્યક્રમમાં ગુજરાત અને ભરૂચની વિરાસતને ઉજાગર કરતો કાર્યક્રમ રાજયના સાંસ્કૃતિક વિભાગ દ્વારા થશે. આ કાર્યક્રમમાં ભરૂચ જિલ્લાની જનતાને ભાગીદાર બનવા કલેકટર રવિ કુમાર અરોરાએ અપીલ કરી છે.
ઉલ્લેખનિય છે કે, ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ જિલ્લામાં રૂા.૨૧૦ કરોડ ઉપરાંતના વિકાસકામોનું ખાતમુહૂર્ત, લોકાર્પણ અને જાહેરાત કરવામાં આવી રહી છે. ગુજરાત ગૌરવ દિવસ ઉજવણી અવસરે ભરૂચ શહેરને દુલ્હનની જેમ શણગારવામાં આવી રહયું છે. માતરીયા તળાવ ખાતે લેશર શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર ૩૦ મીએ સાહિત્ય કલા સંમેલનમાં ભરૂચની વિરાસત, કવિ સંમેલન, ભવાઇ કાર્યક્રમ પંડિત ઓમકારનાથ ભવન ખાતે યોજાશે. સાંજના ૭-૩૦ વાગે મશાલ રેલી ઝાડેશ્વર તળાવ ખાતે યોજાશે. ૨૮ થી ૩૦ દરમિયાન શષા પ્રદર્શન સવારે ૧૧ થી સાંજના ૭ વાગ્યા દરમિયાન ગુડવીલ હાઇસ્કુલ શ્રવણ ચોકડી ખાતે યોજાશે. ભરૂચ શહેરમાં સૌ પ્રથમવાર યોજાઇ રહેલા શષા પ્રદર્શનમાં આધુનિક શષા પ્રદર્શન સાથે લોકોને માહિતગાર પણ કરવામાં આવશે.