દેશના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સંપાદન થનારી જમીન તેમજ મિલ્કતના માલીકોની આજે વડોદરામાં મળેલી બેઠક તોફાની રહી હતી. ગ્રામ સભા, નવી જંત્રી રિવાઇઝડ થાય પછી વળતર આપવા સહિતના મુદ્દાઓ પર હાઇ સ્પીડ રેલના અધિકારીઓ તેમજ રેવન્યુ અધિકારીઓને ખેડૂતોએ બરાબર ઘેર્યા હતાં. જમીન સંપાદન માટે વચેટિયાઓ જોઇએ જ નહી, જમીનનું પેમેન્ટ સીધુ અમનેજ આપો તેવી અસરગ્રસ્તોની માંગ અકોટા વિસ્તારમાં સર સયાજીરાવ નગરગૃહ ખાતે બીજી સ્ટેક હોલ્ડર મીટિંગ યોજાઇ હતી.
આ બેઠકમાં હાઇ સ્પીડ રેલ પ્રોજેક્ટના અધિકારીઓ, કલેક્ટર, એસડીએમ પણ હાજર હતાં. સવારે મીટિંગ શરૂ થયા બાદ ગ્રામસભા મળી હતી તેવો ઉલ્લેખ પ્રોજેક્ટના નિદર્શન દરમિયાન થતા જ ખેડૂત આગેવાનો વિફર્યા હતા અને ક્યાં ગામમાં ગ્રામસભા થઇ છે તેવા પુરાવાની માંગણી કરી હતી.
ખેડૂતો દ્વારા ભારે સુત્રોચ્ચાર પણ કરાયો હતો એક ખેડૂતે કહ્યુ હતુ કે જમીન અમારી જાય છે અમને ખબર છે. અન્ય એક ખેડૂતે જણાવ્યુ હતુ કે મારી જમીન બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં જાય છે મને નોટિસ મળી નથી તેનો જવાબ માંગ્યો હતો. તેમણે આક્ષેપ પણ કર્યો હતો કે હું જમીન સંપાદનની ઓફિસમાં મળીને બહાર નીકળુ તેની દસ મિનિટમાં વચેટિયાનો ફોન આવે છે. જો કે બાદમાં ચીફ પ્રોજેક્ટ મેનેજરે ખુલાશો કરવાની ફરજ પડી હતી કે મામલતદાર ઓફિસમાં મીટિંગ થઇ હતી પરંતુ ગ્રામ સભા મળી નથી. એક તરફ ખેડૂતો દ્વારા જમીન સંપાદનનો વિરોધ ચાલતો હતો ત્યારે બીજી બાજુ ખેડૂતોના અન્ય એક જુથે મંચ પર આવીને અમે સાંભળવા માંગીએ છીએ કે પ્રોજેક્ટમાં વળતર શુ મળવાનું છે તેવી રજૂઆત સાથે જ વાતાવરણ વધારે ગરમ બની ગયુ હતું જો કે ત્યારબાદ પરિસ્થિતિ શાંત થઇ જતા લંચ સમય સુધી સ્ટેક હોલ્ડર મીટિંગ શાંતિથી ચાલી હતી.
આ મીટીંગમાં એક ખેડૂતે એવો રોષ ઠાલવ્યો હતો કે હાલમાં ૨૦૧૮નું વર્ષ ચાલે છે અને વર્ષ-૨૦૧૩ના કાયદા મુજબ જમીન પડાવી લેવા માંગો છો તેમણે એમ પણ કહ્યુ હતુ કે અત્યારે કોઇપણ વસ્તુ બજારમાં લેવા જાવ તો ૨૦૧૩ના ભાવ મુજબ મળશે ખરી? બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ગુજરાત અને મહારાષ્ટ્રના લોકોનેજ નોકરી મળવી જોઇએ આજે મળેલી બીજી સ્ટેપ હોલ્ડર મીટિંગમાં કેટલાક ખેડૂતોએ જમીનના બદલામાં બીજી જમીનની માંગણી કરી હતી જો કે આ પ્રોજેક્ટમાં માત્ર રોકડમાં વળતર આપવામાં આવશે તેવો સ્પષ્ટ ખુલાસો પ્રોજેક્ટના અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો હતો.