કથિત ધર્મગુરુ એવા આસારામને એક ૧૬ વર્ષની સગીરા પર બળાત્કાર કરવાના કેસમાં દોષીત જાહેર કરીને આજીવન કારાવાસની સજા ફટકારી છે. ૨૦૧૩માં જોધપુર નજીક આવેલા પોતાના આશ્રમમાં આસારામે ઉત્તર પ્રદેશની આ સગીરા પર બળાત્કાર કર્યો હતો. તે જ વર્ષે આસારામની ધરપકડ કરીને જોધપુરની જેલમાં કેદ કરી લેવામાં આવ્યો હતો. બુધવારે જોધપુરની આ જેલમાં જ ઉભી કરવામાં આવેલી એક કોર્ટમાં આસારામને સ્પેશિયલ જજ મધુસુદન શર્માએ બળાત્કારના કેસમાં દોષીત ઠેરવ્યો હતો. અને જીવે ત્યાં સુધી જેલમાં રાખવાની સજા ફટકારી હતી. આસારામના અન્ય બે સાગરીતો શીલ્પી અને શરદને પણ આ કેસમાં દોષીત ઠેરવ્યા હતા અને બન્નેને ૨૦ વર્ષની કેદની સજા ફટકારી હતી. જ્યારે અન્ય બે આરોપી શિવા અને પ્રકાશને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.
અમદાવાદમાં સાબરમતી નદીના કાઠે એક નાના ઝુંપડામાં આશ્રમની શરૂઆત કરી ધીમે ધીમે પોતાની માયાજાળ ફેલાવી આસારામે ભારતમાં આશરે ૪૦૦ જેટલા નાના-મોટા આશ્રમો સ્થાપ્યા છે અને આશરે ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું મોટુ એમ્પાયર સ્થાપીને બેઠો હતો. આમાંનો જ એક આશ્રમ મધ્ય પ્રદેશમાં પણ તેણે સ્થાપ્યો છે. જ્યાં ઉત્તર પ્રદેશની આ ૧૬ વર્ષની સગીરા ભણતી હતી. આસારામે આ યુવતીને બાદમાં મધ્ય પ્રદેશથી જોધપુરમાં આવેલા પોતાના આશ્રમમાં બોલાવી હતી. જ્યાં આ સગીરા પર ૧૫મી ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ આસારામે બળાત્કાર કર્યો હતો. ૧૬ વર્ષની બહાદુર યુવતીને હાર ન માની અને માતા પિતાની સહાયથી બાદમાં પોલીસમાં આસારામની વિરુદ્ધ ફરિયાદ કરી, જેને પગલે ઘટના બની તેના બીજા જ મહિનામાં આસારામની રાજસ્થાન પોલીસે ઇંદોરથી ધરપકડ કરી લીધી હતી. આસારામની વિરુદ્ધ પોલીસે નવેમ્બર, ૨૦૧૩માં જ ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં આસારામની વિરુદ્ધ પોક્સો, જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને આઇપીસીની કલમો લગાવી હતી. આસારામને આજીવન કારાવાસની સજા ફટકારવામાં આવી.
આસારામ અત્યાર સુધી પાંચ વર્ષથી જ્યુડિશિયલ કસ્ટડીમાં હતો જેને પગલે તેને કેટલીક સુવિધાઓ આપવામાં આવતી હતી અને આશ્રમમાં બનેલુ ભોજન પણ ખાઇ શકતો હતો. જોકે હવે તે દોષીત ઠર્યો હોવાથી અપરાધીને જે સુવીધા મળે છે તે જ આપવામાં આવશે અને જેલનું બનેલુ ભોજન જ તેને ખાવુ પડશે.
પ્રાપ્ત માહિતી અનુસાર જોધપુરની જેલના ડીઆઇજી વિક્રમસિંહે જણાવ્યું હતું કે આસારામને અત્યાર સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં હોવાથી સામાન્ય કપડા પહેરવાની છુટ હતી પણ હવે તેને જેલના કેદીનો ડ્રેસ જ ફરજીયાત પહેરવો પડશે. હાલ તેને બેરક નંબર બેમાં રાખવામાં આવ્યો છે બાદમાં બદલવામાં આવશે. અને તેને કેદી નંબર ૧૩૦ આપવામાં આવ્યો છે.