આજ કાલના જમાનામાં જન્મ દિવસની ઉજવણીનો ટ્રેન્ડ સતત બદલાઈ રહ્યો છે. ત્યારે ખાસ કરીને પ્રથમ જન્મ દિવસ પર ખાણી-પીણીની લિજ્જતની સાથે સાથે ગિફ્ટ તેમજ પાર્ટીમાં લોકો મોટો ખર્ચ કરતા હોય છે. આ બધી બાબતોથી અલગ રીતે રોહન જરદોશ અને તેમના પત્ની જૂહી જરદોશ દ્વારા તેમના દિકરાના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમને એનજીઓ વિરાસત ફાઉન્ડેશન થકી દિકરા રુહાનના જન્મ દિવસે બાળકોને સ્કૂલની કિટ આપીને અલગ રીતે ઉજવ્યો હતો. શહેરની એક શાળાના 160 બાળકોને સ્કૂલ કિટ અપાઈ હતી જેમાં લંચબોક્સ, કંપાસ, પેન્સિલ, રબ્બર સહીતની ચીજ વસ્તુઓ આપવામાં આવી હતી.
આ અંગે વધુમાં જણાવતા રુહાનના પિતા રોહન જરદોશે જણાવ્યું હતું કે, રુહાનના દરેક જન્મ દિવસે અમે અલગ અલગ રીતે ચેરીટી કરીને તેના જન્મ દિવસની અનોખી રીતે ઉજવણી કરીશું. આ પ્રથમ બર્થ ડેથી તેની શરુઆત અમે વિરાસત ફાઉન્ડેશન સાથે સ્કૂલના બાળકોને સ્કૂલ કિટ આપીને કરી છે. ત્યારે આગામી સમયમાં બેટી બચાવો અને બેટી પઢાવોને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ તેમજ અન્ય સામાજિક પ્રવૃત્તિઓ કરીશું. તેમણે વધુમાં જણાવ્યું કે, અમારો દિકરો રુહાન જ્યારે સમજણો થાય ત્યાં સુધી તેના દરેક બર્થ ડે પર આ જ પ્રકારે એક એક્ટિવિટી ચાલું રહેશે પછી તે જાતે જ આ સામાજિક પ્રવૃત્તિઓને આગળ વધારશે. એ પણ એક મોટી સમજ સાથે મોટો થતો જશે અનેક સારા મેસેજ સાથે તેના જન્મ દિવસની ઉજવણી કંઈક આ રીતે કરીને અમે માતા પિતા તરીકેની અનોખી ગિફ્ટ લોકોની મદદ કરવારુપે સતત આપતા રહેશું. ઉલ્લેખનીય છે કે, માતા પિતા તેમના સંતાનોના જન્મ દિવસ પર હાઈફાઈ પાર્ટીનું આયોજન કરીને હજારો, લાખો રુપિયા ખર્ચ કરી નાખે છે પરંતુ તેની સાથે સાથે આ પ્રકારની પ્રવૃત્તિઓ પણ જન્મ દિવસ નિમિત્તે સમાજ માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી રહી છે.