એટ્રોસિટીના ગુનામાં નડિયાદની કોર્ટમાં પ્રથમવાર કોઈ પોલીસ અધિકારીને જેલની સજા થઈ હોય એવી ઘટના આજે ગુજરાતમાં બની છે, જેમાં ખેડા ટાઉનમાં નોંધાયેલા એટ્રોસિટીના એક ગુનામાં તત્કાલીન પીએસઆઈને નડિયાદ કોર્ટે ચાર વર્ષની સજા ફટકારી હતી.
આ કેસની વિગત એવી છે કે, આરોપી એ.આર. ઝાલા ૨૦૧૫માં ખેડા ટાઉન પોલીસ મથકમાં પીએસઆઈ તરીકે હતા ત્યારે ૧૦ સપ્ટેમ્બર, ૨૦૧૫ના રોજ ખેડાના હરિયાળા ગામના મનુભાઈ પરસોત્તમભાઈ વાઘેલાને જાતિવાચક અપશબ્દો બોલી લાતોથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો અને અન્ય શખ્સ અશોક બારૈયા સાથે પણ મારઝૂડ કરી હતી.
આ ઘટના સંદર્ભે કોર્ટ કેસ થતા નડિયાદના સ્પેશિયલ જજ તથા ૩જા એડિશનલ સેશન્સ જજની અદાલતમાં ચાલ્યો હતો જેમાં સરકારી વકીલે પુરાવા સહિત દલીલો કરતા કોર્ટે અજયસિંહ ઝાલાને ૪ વર્ષની સજા અને ૫૦૦૦નો દંડ ફટકાર્યો હતો. અજયસિંહ ઝાલા હાલમાં કચ્છ-ભુજના ગઢસીસામાં પીએસઆઈ તરીકે નોકરી કરતા હતા.