ઉનાળો શરુ થતાં જ દરેક પરિવારમાં ઘઉં ભરવાની સિઝનનો પણ પ્રારંભ થઇ જતો હોય છે. મોટાભાગની ગૃહિણીઓ આ સિઝન દરમિયાન સમગ્ર વર્ષ માટેના ઘઉંની ખરીદી કરી લેવાનું પસંદ કરતી હોય છે.
અલબત્ત, આ વખતે સરકાર દ્વારા દીવેલથી મોએલા ઘઉંના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવતા ગૃહિણીઓમાં નારાજગી જોવા મળી રહી છે. ઘઉં લાંબો સમય ટકી રહે અને તેમાં જીવાત નુકસાન પહોંચાડે નહીં માટે તેને દીવેલ દ્વારા મોઅવામાં આવતા હોય છે. અનેક ઘરોમાં વર્ષોથી દીવેલથી મોયેલા ઘઉંનો જ ઉપયોગ કરવાનો નિયમ હોય છે. આ વખતે દીવેલથી મોયેલા ઘઉંના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોય તેવું પ્રથમ વાર બન્યું છે.
આ અંગે ‘ફૂડ એન્ડ ડ્રગ્સ કન્ટ્રોલ એડમિનિસ્ટ્રેશન’ના ફૂડ સેફ્ટી કમિશ્નર ડો. એચ.જી. કોશિયાએ જણાવ્યું હતું કે, ‘ફૂડ સેફ્ટીના નિયમ અનુસાર દીવેલ અખાદ્ય પદાર્થ હોવાથી ઘઉંમાં તેનો ઉપયોગ કરવાનો પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ પ્રતિબંધ સમગ્ર માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં છે. લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને જ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અલબત્ત, ઘઉં માટે દીવેલને સ્થાને અન્ય કોઇ પણ તેલનો ઉપયોગ કરી જ શકાય છે.
આયુર્વેદિક દવામાં પણ દીવેલનો ત્યારે જ ઉપયોગ કરવામાં આવે જ્યારે તે શુદ્ધ રીતે ઉપલબ્ધ હોય. આ ઉપરાંત હલકી ગુણવત્તાના દીવેલનું પ્રમાણ છેલ્લા કેટલાક સમયથી વધતા આ નિર્ણય લેવાયો છે. ઉલ્લેખનીય છે કે ૨૫ જુલાઇ ૨૦૧૫ના દહેગામમાં હલકી ગુણવત્તાથી મોયેલા ઘઉંનો ઉપયોગ કરવાથી ૧૧ લોકોને એકસાથે લકવાની અસર થઇ હતી. લકવાની અસર થઇ તેમાં ૧૧માંથી ૭ એક જ પરિવારના સદસ્ય હતા. ૨૮ જુલાઇ ૨૦૧૫ના દેત્રોજ-રામપુર તાલુકાના છેવાડે આવેલા અશોકનગર ગામના એક પરિવારે દીવેલ મોયેલા ઘઉં-તુવેરદાળ ખાદા બાદ હાથપગ જકડાવવાની ફરિયાદ કરી હતી. આ ઘટનાઓને લીધે સરકાર દ્વારા દીવેલ મોયેલા ઘઉંના વેચાણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.