જામનગર તાલુકાના જામવણથલી ગામમાં રહેતા અને સ્વામીનારાયણ મંદિરમાં સેવા પૂજા કરતા ૭૭ વર્ષના હરીભાઈ વેલજીભાઈ ખોલીયા નામના વ્યક્તિને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો છે અને મંગળવારે સાંજે ૫ વાગ્યે ઇશ્વર તેઓને પોતાના ધામમાં લઈ જશે તેવી વાત વહેતી થતાં જામવણથંભી ગામમાં કુતુહુલ ફેલાયું હતું.
આ અંગે ગ્રામજનોએ મંદિરમાં એકત્ર થઈને ધુન બોલાવાતું ચાલું કરી દીધું હતું. પરંતુ હરીબાપાનો હરીધામમાં પહોંચવાનો દાવો પોકળ સાબિત થયો છે અને તેઓને હરીધામને બદલે ધ્રોલની સરકારી હોસ્પિટલમાં લઈ જવાયા હતા જયાં તેઓની તબીયત સ્વસ્થ હોવાનું તબીબો દ્વારા જાહેર કરાયું છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ હરીભાઈના બે પુત્રો રાજકોટમાં રહે છે જયારે હરીભાઈ પોતે એકલા સ્વામિનારાયણ મંદિરમાં રહીને સેવા પૂજા કરે છે. આજથી સાડાચાર મહિના પહેલા તેઓને ઈશ્વરનો સાક્ષાત્કાર થયો હતો અને દર્શન થયા હતા તેમ જણાવી સ્વામિનારાયણ મંદિર સાથે સંકળાયેલા અન્ય અનુયાયીઓ તથા ગ્રામજનો પાસે વાતચીત કરી હતી અને ઈશ્વર તેઓને આજે સાંજે ૫ વાગ્યે પોતાના ધામમાં લઈ જશે અને પોતે સ્વયંભુ આ સંસારનો ત્યાગ કરી દેશે.
આ સમાચાર જામવણથલી સહિત આસપાસના ગામોમાં વાયુ વેગે પ્રસરી જતાં અનેક લોકો જામવણથલી ગામમાં આવી ગયા હતાં અને હરીભાઈ મંદિરમાં ભગવાનની સમક્ષ એક મોટી ખુરશી પર સમાધી લગાવીને બેસી ગયા હતાં. પોલીસને પણ ઘટનાની જાણ થતાં જામવણંથલી ગામમાં ખાનગી વેશમાં પોલીસ પહેરો ગોઠવી દેવામાં આવ્યો હતો. સાંજે ૫ વાગ્યે હરીભાઈ એકાએક બેશુધ્ધ બની ગયા હતાં. જોકે તેમના શ્વાસોચ્છવાસ ચાલુ રહ્યા હતાં. બે કલાક પછી આખરે એક ખાનગી તબીબને સ્થળ પર બોલાવાયા હતાં ઉપરાંત ૧૦૮ની ટીમ જામવણથલી ગામે પહોંચી ગઈ હતી. ૭.૩૦ વાગ્યે હરીબાપા નાટકીય ઢબે ભાનમાં આવી ગયા હતાં અને તંત્રએ સલામતીના ભાગ રૂપે તેઓને ૧૦૮ નંબરની એમ્બ્યુલન્સ મારફતે ધ્રોલની સરકારી હોસ્પિટલે પહોંચાડી દીધા હતા જયાં ફરજ પરના તબીબે તેઓની તબીયત સ્વસ્થ હોવાનું જણાવાયું હતું.