દિવાના કદ પ્રમાણે ૧૫ કિલો રૂમાંથી તેની દિવેટ બનાવવામાં આવી, દિવામાં પૂરા ૫૦૧ કિલો ઘીનો સમાવેશ થઈ શકશે
વડોદરા : અયોધ્યામાં રામ મંદિર માટે ગુજરાતમાં ઘણી જગ્યાએ ભેટ તૈયાર કરવામાં આવી છે, ત્યારે વડોદરામાં મંદિર માટે વધુ બે ભેટનો ઉમેરો થયો છે. આ બંને ભેટ મંદિર પરિસરની ભવ્યતામાં વધારો કરશે. ત્યારે શું છે આ વસ્તુઓ. અયોધ્યામાં રામ મંદિર પરિસરનું નિર્માણ કાર્ય પૂર્ણ થશે ત્યારે આ ભેટને તમે ત્યાં જાેઈ શકશો. આ બંને વસ્તુઓ વડોદરામાં તૈયાર કરવામાં આવી છે. તમે જે દિવો જાેઈ રહ્યા છો, તેનું વજન ૧૧૦૦ કિલો છે. સ્ટીલનો આ દીવો વડોદરાના એક રામભક્ત અરવિંદ પટેલે તૈયાર કર્યો છે. ૯ ફૂટથી વધુ ઉંચો અને ૮ ફૂટ પહોળો દીવો પોતાનામાં એક અજાયબી છે. આનાથી મોટો દિવો તમે કદાચ પહેલા ક્યારેય નહીં જાેયો હોય. દિવામાં પૂરા ૫૦૧ કિલો ઘીનો સમાવેશ થઈ શકે છે. દિવાના કદ પ્રમાણે ૧૫ કિલો રૂમાંથી તેની દિવેટ બનાવવામાં આવી છે. આ દિવાને જ્યારે પ્રજવલિત કરાશે ત્યારે તેનો પ્રકાશ કેટલી જગ્યાને પ્રકાશિત કરશે, તેનો અંદાજ માંડી શકાય તેમ છે. ૨૨મી જાન્યુઆરીએ રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન આ દીવો પ્રગટાવવામાં આવશે.