અમદાવાદ: અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં આવેલ મંગલ નવકાર મહેક ગ્રુપના શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ દ્વારા 20મી ડિસેમ્બરના રોજ “વાર્ષિક મહોત્સવ કાર્યક્રમ”નું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે શ્રી પ્રતિભાબેન જૈન (મેયર શ્રી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન) તથા મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી અમિતભાઇ ઠાકર (ધારાસભ્ય શ્રી, વેજલપુર વોર્ડ) ઉપસ્થિત રહ્યાં હતા. આ ઉપરાંત, શ્રી બળદેવભાઈ જે. પટેલ (ચેરમેન- નવનિર્માણ કો.ઓ. બેન્ક લિ. – અમદાવાદ તથા ડે. વર્લ્ડ ચેરમેન- જયંત વેલ્ફેર ફાઉન્ડેશન- મુંબઈ), શ્રી અરવિંદભાઈ પરમાર (કોર્પોરેટર), શ્રી પ્રવિણાબેન પટેલ (કોર્પોરેટર), શ્રી આશિષભાઈ પટેલ (કોર્પોરેટર), શ્રી ભારતીબેન ગોહિલ (કોર્પોરેટર) વગેરેની પણ ખાસ ઉપસ્થિતિ રહી હતી. શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટના શ્રી વીરુભાઈ અલગોતર, શ્રી અશ્વિનભાઈ દેદરાણી, શ્રી મુકેશભાઈ ચૌધરી, શ્રી દેવેન્દ્રભાઈ મિશ્રા, રંજનબેન શાહ તથા શ્રી મૌલિકભાઈ શાહ એ ઉપસ્થિત મહેમાનગણનો આભાર વ્યક્ત કર્યો હતો.
શ્રી ગોપાલ સંસ્કાર મહેક ટ્રસ્ટ આર્થિક રીતે વંચિત લોકો માટે કામ કરતી સંસ્થા છે. “મહિલા સશક્તિકરણ” કાર્યક્રમના ભાગરૂપે મુખ્યત્વે કચરો વીણનાર, ઘરકામ, કડિયાકામ કે છૂટક મજૂરી કરીને ગુજરાન ચલાવતી મહિલાઓને આર્થિક રીતે મદદરૂપ થવા તથા વડાપ્રધાન શ્રીના “સ્વચ્છતા અભિયાન”માં સહયોગ કરનાર 500 જેટલી મહિલાઓને શિક્ષણ, આરોગ્ય વગેરેની સેવાઓ પૂરી પાડીને રોજગારલક્ષી તાલીમ અને વ્યસનમુક્તિ પ્રવૃત્તિઓ તથા જીવન જરૂરિયાતની વસ્તુઓની ખરીદી માટે લોન સ્વરૂપે આપવાનું આયોજન આ ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે.
આ વાર્ષિક મહોત્સવ કાર્યક્રમમાં વાર્ષિક અહેવાલનું અનાવરણ કરાયું હતું અને સન્માન સમારોહ પણ યોજાયો હતો. આર્થિક રીતે વંચિત મહિલાઓને મદદરૂપ થવા અર્થે સિલાઈ મશીન વિતરણ પણ કરવામાં આવ્યું હતું. ઉપરાંત સંસ્થાના બાળકો માટે પેઇન્ટિંગ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું, તેમને કપડાંનું વિતરણ પણ કરાયું હતું.
આ વાર્ષિક કાર્યક્રમમાં શ્રી નૌત્તમભાઈ રસિકલાલ વકીલ, શ્રી નિકિતા શાહ (પ્રુડન્ટ કોર્પોરેટ એડવાઈઝર સર્વિસ લિમિટેડ), શ્રી શૈલેષભાઇ અમૃતલાલ શાહ, શ્રી જ્યોતિબેન જગદીશભાઈ શાહ (એસ. બી. આઈ. બેન્ક, આંબાવાડી), તથા શ્રી કલ્પેશભાઈ દશરથભાઈ પરીખને તેમના ઉત્કૃષ્ટ કાર્યો બદલ “સેવારત્ન એવોર્ડ” એનાયત કરવામાં આવ્યા.