મહારાષ્ટ્ર સમાજ અમદાવાદ દ્વારા વિવિધ પ્રકારના આયોજનો તેમજ સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે ત્યારે આ વખતે સૌથી મોટો કાર્યક્રમ શતાબ્દી મહોત્સવનું 15થી 17 ડિસેમ્બર સુધી આયોજન કરવામાં આવ્યુ છે. મહારાષ્ટ્ર સમાજે અમદાવાદમાં 100 વર્ષ પૂર્ણ કર્યા છે જેના અનુસંધાને તારીખ 15 થી 17 ડીસેમ્બરના રોજ ટાગોર હોલ, પાલડી અમદાવાદ ખાતે શતાબ્દી મહોત્સવ તેમજ સત્કાર સમારોહ યોજાશે. સો વર્ષ ગૌરવ અંતર્ગત મહારાષ્ટ્ર સમાજના લોકો પણ આ પ્રસંગને લઈને ખૂબ જ ઉત્સાહી છે.

આ શતાબ્દી મહોત્સવના ભાગરૂપે 15 ડીસેમ્બરે ટાગોર હોલમાં વર વધૂ પરિચય મેળો (જીવન સથી પસંદગી મેળા)નું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મહારાષ્ટ્ર સમાજની સાથે અન્ય 65 જ્ઞાતિના યુવાનો મળી ને 300થી વધુ લોકો જોડાશે. આ ઉપરાંત હોલના મેદાનમાં મરાઠી ફૂડ ફેસ્ટિવલનું પણ આયોજન થશે, જેનું ઉદઘાટન અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈનના હસ્તે કરવામાં આવનાર છે. શહેરમાં પહેલીવાર આ રીતે મરાઠી ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં મરાઠી વ્યંજન ખાવાનો લ્હાવો લોકોને મળશે. મરાઠી સંસ્કૃતિની ઝલક આ ફૂડ ફેસ્ટિવલમાં જોવા મળશે. ફૂ઼ડ ફેસ્ટિવલમાં 30 સ્ટોલ લગાવવામાં આવશે. જેમાં તમામ સ્ટોલમાં મહારાષ્ટ્રની વાનગીઓ જ બનાવીને મુકવામાં આવશે.

શતાબ્દી મહોત્સવના બીજા દિવસે 16 ડીસેમ્બરના રોજ મહોત્સવનું વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવશે. ત્યારબાદ મહારાષ્ટ્ર સમાજના અગ્રણીઓ તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવશે. ખાસ કરીને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી અમદાવાદ જિલ્લા શાખા સાથે મળીને રક્તદાન શિબિરનું પણ આયોજન કરાશે.આ સાથે લોકોને બ્લડ ડોનેટ કરવાને લઈને અવેર પણ કરવામાં આવશે તથા વિવિધ કાર્યક્રમો પૈકી મુંબઈના ઓર્કેસ્ટ્રા દ્વારા હિન્દી અને મરાઠી ગીત લોકોની ફરમાઈશ પર ગાવામાં આવશે. તેની સાથે જ લાવણી સહિત અન્ય લોકનૃત્ય પણ રજૂ કરવામાં આવશે. પ્રેક્ષકોની પસંદગીનું મહારાષ્ટ્રનું ફેમસ પ્રશાંત દામલે ફેમ નાટક તથા સ્થાનિક કલાકારોના પરફોર્મન્સના આયોજનો કરવામાં આવશે તથા ત્રીજા દિવસે 17 ડીસેમ્બરના બિઝનેસ મીટનું આયોજન કરાશે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર જાણીતા બિઝનેસમેનો ભાગ લેશે અને તેમનું સન્માન પણ કરવામાં આવશે.