રામ મંદિર ટ્રસ્ટના સચિવએ રામમંદિરના ગર્ભગૃહની તસવીર પોસ્ટ કરી
હાલમાં તેજ ગતિએ ચાલી રહ્યું છે અયોધ્યા રામ મંદિરના નિર્માણનું કામ
અયોધ્યા : અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ હવે લગભગ અંતિમ તબક્કામાં પહોંચી ગયું છે. ભવ્ય રામ મંદિરનું ગર્ભગૃહ તૈયાર થઈ ગયું છે. આ એ જ જગ્યા છે જ્યાં રામલલ્લા બિરાજશે. હાલમાં જ રામ મંદિર ટ્રસ્ટના સચિવ ચંપત રાયે, X પર રામમંદિરના ગર્ભગૃહની તસવીરો પોસ્ટ કરી હતી. આ તસવીરોમાં રામલલ્લા જ્યાં બિરાજેલા હશે તે જગ્યા દેખાઈ રહી છે. રામમંદિરને સુંદર રીતે શણગારવામાં આવી રહ્યું છે.
આગામી ૨૨ જાન્યુઆરીએ રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા સમારોહનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે.. રામ મંદિરનું નિર્માણ દાયકાઓથી વિવાદોમાં અટવાયેલું હતું, પરંતુ હવે અયોધ્યામાં દિવ્ય રામ મંદિરનું નિર્માણ ઝડપથી ચાલી રહ્યું છે. આ સાથે જ ઉતરપ્રદેશ સરકાર રામમંદિરના સમારોહનું ભવ્ય આયોજન કરવા માટે જાેરદાર તૈયારીઓ કરી રહી છે. અયોધ્યામાં બની રહેલા ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશેષ અતિથિ તરીકે હાજરી આપનાર છે. આ ઉપરાંત આ કાર્યક્રમમાં દેશભરમાંથી ૮ હજાર જેટલા વિવિધ ક્ષેત્રની હસ્તીઓને પણ આમંત્રિત કરવામાં આવી છે.. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ પહેલાથી જ દરેકને આમંત્રણ મોકલી રહ્યું છે. ઉતર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, આરએસએસના વડા મોહન ભાગવત, ફિલ્મ સુપર સ્ટાર અમિતાભ બચ્ચન, અક્ષય કુમાર, ઉદ્યોગપતિ રતન ટાટા, મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, ક્રિકેટર સચિન, વિરાટ કોહલી અને અન્ય સેલિબ્રિટીઓને આમંત્રણ મળ્યું હોવાના અહેવાલ સામે આવ્યા છે. આમંત્રિતોમાં ઘણા પત્રકારો, ભૂતપૂર્વ સૈન્ય અધિકારીઓનો પણ સમાવેશ થાય છે. પદ્મ પુરસ્કાર વિજેતાઓનો સમાવેશ થાય છે.. શહીદ થયેલા ૫૦ કાર સેવકોના પરિવારજનોને પણ આ પ્રસંગે ખાસ આમંત્રણ આપવામાં આવ્યું છે. ૨૨ જાન્યુઆરીએ અયોધ્યાના નવા રામ મંદિરમાં રામલલ્લાને બિરાજમાન કર્યા બાદ ૨૦ પૂજારીઓ મંદિરમાં દરરોજ પૂજા કરશે. આ બધા માટે શ્રી રામ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ ૨૦ નવા પૂજારીઓને તાલીમ આપી રહ્યું છે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી મોટી સંખ્યામાં ભક્તો આવવાની અપેક્ષા છે અને આ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અયોધ્યામાં ભગવાન રામના આશીર્વાદ મેળવવા માટે કરોડો ભક્તો ભક્તિભાવથી રાહ જાેઈ રહ્યા છે.