જિલ્લા વિકાસ અધિકારીએ ૧૧ હેલ્થ વર્કરને છૂટા કરવા માટે નોટીસ આપી
મહેસાણા : નકલી! નકલી! અને નકલી! આ શબ્દએ જાણે કે વર્ષ ૨૦૨૩ માં પરેશાન કરી દીધા છે. કાગળ પર કુટુંબ નિયોજનના ઓપરેશન કરી ખોટા આંકડાઓની માયાજાળ રચ્યા બાદ મહેસાણા આરોગ્ય વિભાગ ફરી ચર્ચામાં આવ્યુ છે. મહેસાણા જિલ્લામાં ફરજ બજાવતા હેલ્થ વર્કરોમાં કેટલાક નકલી ડિગ્રી ધરાવતા હોવાનુ સામે આવ્યુ છે. જિલ્લા વિકાસ અધિકારીએ આ મામલે હવે ૧૧ હેલ્થ વર્કરને છૂટા કરવા માટે નોટીસ આપી છે. આ માટે આ કર્મચારીઓનો ખુલાસો માંગવામાં આવ્યો છે. ખેરાલુ, વિજાપુર, વડનગર, ઉંઝા, બહુચરાજી, કડી અને સતલાસણાના આરોગ્ય કેન્દ્રમાં ૧૦ વર્ષથી હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવતા આ કર્મીઓને છૂટા કેમ ના કરવા એ અંગે ખુલાસો પૂછવામાં આવ્યો છે. તેઓએ તમિલનાડુ, અરુણાચલ પ્રદેશ, મણિપુર અને હિમાચલ પ્રદેશની યુનિવર્સિટીઓની ડીગ્રીઓ પર નોકરી મેળવી હોવાનુ ધ્યાને આવ્યુ છે.
મહેસાણા જિલ્લામાં નકલી ડિગ્રી વડે નોકરી કરતા હેલ્થ વર્કરનો મામલો
