મહારાષ્ટ્ર્રનાગઢ ચિરોલીમાં પોલીસે આજે નકસલવાદીઓ સામે અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી કરી હતી. પોલીસ સાથેની અથડામણમાં ૧૬ નકસલવાદી ઠાર થયા હતા. પોલીસના કોમ્બિંગ ઓપરેશનમાં નકસલવાદીના વિભાગીય સમિતિના સદસ્ય સાઈનાથ અને સિનૂ પણ મોત નિપજયું હતું.
પોલીસ જંગલ વિસ્તારમાં નકસલવાદીઓની શોધખોળની કાર્યવાહી કરી રહી છે. ગઢચિરોલીના પીએસઆઈ દિવટેએ જણાવ્યું હતું કે ‘ભાચરાગઢ તાલુકામાં તાડગાવ જંગલ વિસ્તારમાં પોલીસના સી-૬૦ કમાન્ડો અને સીઆરપીએફ જવાનોએ આજે સવારે ૭.૦૦ વાગ્યે નકસલવાદીઓને પકડવા વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. ત્યારે નકસલવાદીઓએ પોલીસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. તે સમયે પોલીસે પણ સ્વબચાવમાં ફાયરિંગ કરી હતી. પોલીસ અને નકસલવાદીઓ વચ્ચે ચાર કલાક સુધી અથડામણ થઈ હતી. છેવટે નકસલવાદીઓ તરફથી ગોળીબાર બંધ થતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી. પોલીસના કોમ્બિંગ ઓપરેશનમાં ૧૬ નકસલવાદી ઠાર થયા હતા. એમાં નકસલવાદી સિનૂ અને સાઈનાથનો સમાવેશ થાય છે. મૂળ વારંગલના ૪૩ વર્ષીય સિનૂનું અસલી નામ વિજેન્દ્ર રાઉતે હતું.
શરૂઆતમાં તે આંધ્રપ્રદેશમાં કાર્યરત હતો. ૨૦૦૩માં તે ગઢચિરોલી આવ્યો હતો. તેને અનેક જવાબદારી સોંપવામાં આવી હતી. મૃતક સિનૂની પત્ની પણ નકસલવાદી હતી. પણ તે પૈસા લઈને પલાયન થઈ જતા તેની સામે અસંતોષ હતો. જ્યારે પેરીમિલી દલમ કમાન્ડર સાઈનાથને વિભાગીય કમિટીનો સદસ્ય બનાવવામાં આવ્યો હતો. ગઢચિરોલીમાં નકસલવાદીઓની મોટાભાગના હુમલા અને હત્યાકાંડનાં તે સૂત્રધાર હતો. નકસલવાદીની સામેની કાર્યવાહીમાં સફળતા મળતા રાજ્યના ડીજી સતીશ માથુરે પોલીસને અભિનંદન આપ્યા હતા.