અફઘાનિસ્તાનની રાજધાની કાબુલમાં આઇએસ દ્વારા આતંકી હુમલો કરવામાં આવ્યો હતો, જેને પગલે ૪૮ લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે ૧૧૨ લોકો ગંભીર રીતે ઘવાયા હતા. કાબુલમાં આવેલા એક મતદાતા નોંધણી કેન્દ્રને નિશાન બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાનમાં મંત્રી નજીબ દાનિશે જણાવ્યું હતું કે માર્યા ગયેલા લોકો આમ નાગરીકો છે. મહિલાઓ અને બાળકો પણ માર્યા ગયા છે.
અહીંની વિધાનસભાની ચૂંટણી આગામી ૨૦મી ઓક્ટોબરે યોજાવાની છે. જેને પગલે અત્યારથી જ આતંકીઓએ લોકશાહી ઢબે યોજાનારી આ ચૂંટણીનો વિરોધ બોમ્બથી કર્યો હતો. આગામી ૨૦મી ઓક્ટોબરે વિધાનસભાની જે ચૂંટણી યોજાશે તેની સીધી અસર રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પણ જોવા મળશે જે આગામી વર્ષે યોજાવાની છે.
કાબુલમાં આવેલા મુખ્ય મતદાતા નોંધણી કેન્દ્રને ઉડાવવા માટે જ આ હુમલાને અંજામ આપવામાં આવ્યો હતો. અહીંના મુખ્ય પ્રવેશ દ્વાર પર આત્મઘાતી હુમલાખોરે પોતાને ઉડાવી દીધો હતો. લોકો અહીં મતદાતા તરીકે પોતાનું નામ નોંધાવવા ઉભા હતા ત્યારે જ લોકોની વચ્ચે આ આત્મઘાતી હુમલાખોર પણ ગોઠવાઇ ગયો હતો અને જ્યાં વધુમાં વધુ લોકો હતા ત્યાં જઇને પોતાને ઉડાવી દીધો હતો. સ્વાસ્થ્ય પ્રધાન વાહીદ મજરોહે જણાવ્યું હતું કે અત્યાર સુધી આ હુમલામાં ૩૧ લોકો માર્યા ગયા છે જ્યારે ૫૪ લોકો ઘવાયા છે.