ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્વના બધા દેશોનું જાહેર અને ખાનગી દેવું મળીને ૧૬૪ ટ્રિલિયન ડોલર એટલે કે ૧,૬૪,૦૦૦ અબજ ડોલર થયું છે.
જોકે આ દેવુ ૨૦૧૬ના વર્ષનું છે. એટલે કે એ પછી તેમાં વધારો થયો હશે. ૨૦૦૯ પછી ફરીથી દુનિયા દેવાના બોઝ તળે આવી ચૂકી છે. રિપોર્ટમાં ચેતવણી અપાઈ છે કે હવે ફરીથી જગત પર મંદીનો ભય તોળાઈ રહ્યો છે. અને જો આ વખતે મંદી આવશે તો ભારે પડી જશે. ફિસ્કલ મોનિટર નામના રિપોર્ટમાં કહેવાયુ છે કે ૨૦૧૬માં જે દેવુ હતુ એ વૈશ્વિક ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડક્ટ (જીડીપી) કરતાં ૨૨૫ ટકા વધારે હતું.
વધારે પડતા દેવાને કારણે કોઈ પણ સરકાર મંદીના સમયમાં મુશ્કેલીમાં આવી પડશે. કેમ કે દેવુ વધશે એટલે બજાર બેકાબુ બની જશે. વધુમાં નબળી આર્થિક સ્થિતિ આવશે ત્યારે સરકાર પણ અર્થતંત્રને બચાવી શકશે નહીં. ભારત જેવા દેશોની સ્થિતિ જોકે સારી છે. ભારતમાં જીડીપીનું ૭૦.૨ ટકા દેવુ નોંધાયુ હતુ. એટલે કે રાષ્ટ્રના કુલ ઉત્પાદન કરતા દેવુ ઓછુ છે. ૧૬૪ ટ્રિલિયન ડોલરના દેવા પૈકી ૬૩ ટકા રકમ નોન ફાઈનાન્સિયલ પ્રાઈવેટ સેક્ટરનું દેવુ છે, જ્યારે બાકીનું ૩૭ ટકા ડેબ્ટ પબ્લિક સેક્ટરનું છે. અત્યારે બીજા વિશ્વયુદ્ધ પછી જીડીપીના પ્રમાણમાં દેવાની સ્થિતિ નબળી નોંધાઈ રહી છે. આખી દુનિયાનું દેવુ વધતુ જાય છે, ત્યારે જે અર્થતંત્ર વિકાસ પામી રહ્યા છે, તેમણે ખાસ પોતાના દેવા પર લગામ તાણવાની જરૂર છે, એવું રિપોર્ટમાં કહેવાયુ છે.