તારીખ ૨૯/૧૧/૨૩નો દિવસ એટલે પૂજ્ય પ્રભુદાસબાપુની પુણ્યતિથિ. શ્રી ચિત્રકૂટધામ તલગાજરડા દ્વારા પ્રતિવર્ષ પૂજ્ય પ્રભુદાસબાપુના પુણ્ય સ્મરણમાં અનેકવિધ સેવાકીય પ્રકલ્પોનું આયોજન થાય છે. આગામી તારીખ ૨૯/૧૧ ના રોજ સવારે ૯.૩૦ કલાકે તલગાજરડા ગામની ૮ સર્વજ્ઞાતિય કન્યાઓના સમૂહલગ્ન યોજાશે. ગામની દીકરીઓનો લગ્નવિધિ, તેમજ કરિયાવર પેટે પ્રત્યેક દીકરીને રૂ.૫૧,૦૦૦ તેમજ ભોજનની વ્યવસ્થા શ્રી ચિત્રકૂટધામ તરફથી કરવામાં આવશે. આ સમુહલગ્નમાં ગણિકા પરિવારની બે દીકરીઓનો પણ સમાવેશ થાય છે.
પ્રતિ વર્ષ ટ્રસ્ટ દ્વારા સંતવાણીના આરાધકોની વંદના કરવામાં આવે છે. જે અન્વયે તારીખ ૨૯/૧૧ ને દિવસે શ્રી ચિત્રકૂટધામ ખાતે બપોરે ૩.૩૦ થી ૬ દરમ્યાન ‘ભજન-વિચાર સંગોષ્ઠી’ યોજાશે જેમાં શ્રી. નાથાલાલ ગોહિલ દ્વારા તૈયાર કરવામાં આવેલ ગ્રંથ-‘સંતવાણી શબ્દકોશ’ નું પૂજ્ય મોરારીબાપુના હસ્તે લોકાર્પણ થશે. આ ગ્રંથ વિષે શ્રી દલપત પઢીયાર શ્રી રમેશ મહેતા અને શ્રી નાથાલાલ ગોહિલ વક્તવ્યો આપશે. આ કાર્યક્રમનું સંચાલન શ્રી. નીતિનભાઈ વડગામા કરશે. આ કાર્યક્રમ દરમ્યાન જાણીતા શિક્ષણકાર શ્રી તખુભાઈ સાંડસુરના બે પુસ્તકોનું લોકાર્પણ પણ યોજાશે.
રાત્રીના ૮ વાગ્યે શ્રી ચિત્રકૂટધામ ખાતે જાણીતા માણભટ્ટ પૂજ્ય શ્રી ધાર્મિકલાલ પંડ્યા દ્વારા આખ્યાનનો કાર્યક્રમ યોજાશે. ત્યારબાદ સંતવાણીની વિવિધ વિધાઓના આરાધકોને એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ વર્ષે જેમની વંદના કરવામાં આવશે તેમાં ૧. સંતવાણીના સર્જક-સર્વશ્રી સંત કવિ શ્રી પૂ. ધના ભગત (ધોળા) ના પ્રતિનિધિ શ્રી મહંત પૂજ્ય બાબુરામ ભગત તેમજ ૨. શ્રી. ભારતીબેન વ્યાસ (ભજનિક) ૩. શ્રી ઉસ્તાદ અબુબકર મામદ મીર ( તબલાં સંગત) ૪. શ્રી મહેશભાઈ નરસીભાઈ વાઘેલા (વાયોલિન સંગત) ૫. શ્રી નાગજીભાઈ સરવૈયા (મંજીરાં સંગત ) ને પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે એવોર્ડ અર્પણ કરવામાં આવશે. સમારંભના અંતમાં પૂજ્ય મોરારિબાપુનું પ્રાસંગિક વક્તવ્ય રહેશે. એવોર્ડ અર્પણવિધિ બાદ ગુજરાતના નામી-અનામી કલાકારો દ્વારા સંતવાણી પ્રસ્તુત કરવામાં આવશે. સમગ્ર કાર્યક્રમને આપ સંગીતની દુનિયાની યુ.ટ્યુબ ચેનલ પર લાઇવ નિહાળી શકશો.