વિશ્વ હિન્દુ પરિષદના એક વખતનાં કાર્યકારી આંતરરાષ્ટ્રીય પ્રમુખ અને મહામંત્રી ડૉ. પ્રવિણ તોગડીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાઠ ભણાવવા માટે આમરણાંત ઉપવાસ શરૂ કર્યા હતા. જે પૂરા ત્રણ દિવસ પણ ચાલ્યાં નહોતા. ગુરૂવારે સવારે જ તેમનું બ્લડ પ્રેસર હાઇ થતા અને બ્લડ સુગર લો થઇ જતા આખરે સંતોનાં હાથથી પારણા કરી લીધા હતા. મોદી સામે દુશ્મનાવટ ઊભી કરીને તોગડીયાએ તેમને ખુલ્લો પડકાર ફેંક્યો હતો.
આથી મોદીએ પણ પોતાની આગવી સ્ટાઇલમાં સોગઠા ગોઠલી દઇ વિહિપની તાજેતરની ચૂંટણીમાં ડૉ. તોગડીયાને હરાવી ઘર ભેગા કરી દીધા હતા. વર્ષો સુધી વિહિપમાં રહ્યા બાદ અપમાનિત થયેલા તોગડીયાએ પણ તુરંત જાહેરાત કરી હતી કે મોદીએ હિન્દુઓ સાથે વિશ્વાસઘાત કર્યો છે. રામમંદિર બનાવવાના નામે લોકોને છેતર્યા છે. ખેડૂતોના પ્રશ્નો, જમ્મુ કાશ્મીરમાંથી ૩૭૦મી કલમ દૂર કરવા સહિતની માગણી સાથે લડત આપવાનું એલાન કર્યું હતું. ડૉ. તોગડીયાને આરટીઓ નજીક તેમજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ઉપવાસ કરવાની પોલીસ તંત્રએ મંજૂરી આપી નહોતી. આથી તેઓએ નાછૂટકે પાલડીમાં આવેલા વિહિપનાં કાર્યાલય પાસે જ ઉપવાસ શરૂ કર્યા હતા.
જો કે તેમની ધારણા મુજબ વિહિપનાં મોટા ગજાના અન્ય નેતાઓ કે અગ્રણીઓ અને પદાધિકારીઓ ઉપવાસમાં જોડાયા નહોતા. ભાજપમાંથી એક માત્ર નેતા સુરેન્દ્ર પટેલ તેમને મળવા આવ્યા હતા. એ સિવાય એ સિવાય ભાજપના તમામ નેતાઓએ મોદીના ડરથી ડૉ. તોગડીયાથી અંતર બનાવી લીધું હતું. ડૉ. તોગડીયા પોતે ડાયાબીટીસનાં દર્દી છે. જમ્યા વગર ત્રીજા દિવસે જ તેમની તબિયત લથડવાનું શરૂ થયું હતું. આ સમયે હાજર રહેલા સાધુ-સંતાઓ તેમની સાથે વાત કરી તેઓને મનાવી લીધા હતા. જેથી સાધુ-સંતોનાં હાથેથી મોસંબીનો જ્યુસ પીને ડૉ. તોગડીયાએ ઉપવાસ આંદોલનને સમેટી લીધું હતું. આમ મોદીને પાઠ ભણાવવા નીકળેલા ડૉ. તોગડીયા તેમનું કશું બગાડી શક્યા નથી.