સુપ્રીમ કોર્ટે દાઉદ ઈબ્રાહિમની સંપત્તિ જપ્ત કરવાની સરકારને પરવાનગી આપી દીધી છે. મુંબઈમાં દાઉદની કરોડોની સંપત્તિ છે અને એ સંપત્તિ જપ્ત કરવાની સરકારે તજવીજ હાથ ધરી ત્યારે દાઉદના પરિવારે તેની સામે સુપ્રીમમાં અરજી કરી હતી.
દાઉદની માતા અમીના બી કાસકર અને બહેન હસીના પારકરે સુપ્રીમમાં અરજી કરી હતી કે મુંબઈમાં દાઉદની જે સંપત્તિ છે તે જપ્ત ન કરવામાં આવે. તેની સુનાવણી દરમિયાન સુપ્રીમે દાઉદની સંપત્તિ જપ્ત ન કરવાની અરજી ફગાવી દીધી છે. એટલે કે હવે સરકાર દાઉદની કરોડોની સંપત્તિ જપ્ત કરી શકશે. હસીના પારકર અને અમીના બી – એમ બંનેના નિધન થઈ ગયા છે.
મુંબઈમાં દાઉદની કરોડો રૃપિયાની સંપત્તિ છે અને એમાંથી બે પ્રોપર્ટી દાઉદની માતા અમીના બીના નામે હતી અને પાંચ હસીનાના નામે હતી. અગાઉ દિલ્હી હાઈકોર્ટે પણ સંપત્તિ જપ્ત કરવા મુદ્દે દાઉદના પરિવારની વિરૃદ્ધમાં જ ૨૦૧૨માં ચુકાદો આપ્યો હતો. એ ચુકાદા સામે બંને વતી સુપ્રીમમાં અરજી થઈ હતી. સુપ્રીમે પણ સરકારની તરફેણમાં ચુકાદો આપતા હવે કરોડોની સંપત્તિની જપ્તીનો માર્ગ મોકળો થયો છે.