કેન્દ્ર સરકાર દ્વારા ૧૨ વર્ષ સુધીની બાળકી પર બળાત્કાર ગુજારનારાઓને મૃત્યુ દંડની સજા ફટકારવાના કાયદામાં જરૂરી ફેરફાર કરવા સુપ્રીમ કોર્ટને દરખાસ્ત કરવામાં આવી છે.
જમ્મુ-કાશ્મીરના કઠુઆ જિલ્લામાં આઠ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી તેની હત્યાના વિરોધમાં સમગ્ર દેશમાં ચાલી રહેલા વિરોધ વચ્ચે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં આપેલા આ નિવેદનને મહત્ત્વપૂર્ણ ગણવામાં આવે છે.
આઠ મહિનાની બાળકી પર તેના પિતરાઇએ ગુજારેલા બળાત્કારના કેસમાં કરાયેલી જાહેર હિતની સુનાવણી દરમિયાન એડિશનલ સોલિસિટર જનરલ પી એસ નરસિંહાએ મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રાના નેતૃત્ત્વવાળી ખંડપીઠને એક પત્ર સુપ્રત કર્યો હતો.
આ પત્રમાં જણાવવામાં આવ્યું છે કે કાયદા મંત્રાલય પ્રોટેકશન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સુઅલ ઓફેન્સિસ(પોક્સો) એક્ટમાં સુધારો કરવાનું વિચારી રહ્યું છે. મુખ્ય ન્યાયમૂર્તિ દિપક મિશ્રા અને ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર અને ન્યાયમૂર્તિ ડી વાય ચંદ્રચૂડે પીઆઇએલની વધુ સુનાવણી ૨૭ એપ્રિલના રોજ રાખી છે.