મધ્ય પ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી પાણી છોડાઈ રહ્યું છે. જેથી હાલ નર્મદા નદીમાં પૂરની સ્થિતિ ઉદભવી છે. જેથી નર્મદા ડેમના ૨૩ દરવાજા ખોલીને ૪૨,૦૦૦ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. નર્મદા નદી કાંઠાના ગામડાઓને અલર્ટ કરવામાં આવ્યા છે. તો નદી કાંઠાના ૩૦ થી વધારે ગામડાના હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. ઓમકારેશ્વર ડેમનું પાણી સીધું નર્મદા નદીમાં ઠલવાઈ રહ્યું છે. ત્યારે કરજણ તાલુકામાં નર્મદા નદીમાં વચ્ચે આવેલા વ્યાસ બેટ ખાતે ફસાયેલા ૧૧ વ્યક્તિઓને બચાવવા માટે કલેકટર અતુલ ગોર દ્વારા વાયુ સેનાની મદદ માંગવામાં આવી છે અને રાહત કમિશનર મારફત વ્યાસ બેટની ભૌગોલિક વિગતો વાયુ સેનાને મોકલી દેવામાં આવી છે.
એસપી રોહન આનંદ દ્વારા પણ સબંધિત તાલુકાની પોલીસને મદદ માટે તૈયાર રહેવા જણાવાયું છે. ગઈ કાલ રાતે ડભોઇ પ્રાંત અધિકારી યોગેશ કાપસે, કરજણ પ્રાંત અધિકારી આશિષ મિયાત્રાએ સંભવિત અસરગ્રસ્ત ગામોમાં રાત ફેરણી કરી લોકોને સમજાવી સલામત સ્થળે ખસી જવા સમજૂત કરાયા હતા. રાત્રે ૨૫૦ જેટલા લોકો સલામત સ્થળે પહોંચી ગયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. તા. ૧૬ ની રાત્રી માં જ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વ્યાસ બેટ ખાતે ફસાયેલા લોકોને બચાવવા માટે હોડી મોકલવામાં આવી હતી પણ, પાણીનો પ્રવાહ વધુ હોવાથી શક્ય બન્યું નહોતું. એટલે આજે સવારે કલેકટર દ્વારા વાયુ સેનાની મદદ માંગવામાં આવી છે. જે આજ તા. ૧૭ ના રોજ સવારે ૯ થી ૯ઃ૩૦ વાગ્યે આવી પહોંચે એવી શક્યતા છે.
નર્મદા ડેમમાં પાણી છોડવાને પગલે કરજણ તાલુકાના નાની સાયર ગામે પાણી ભરાતા બે ત્રણ પરિવાર ફસાયા હોવાની માહિતી મળતા NDRF ની ટીમ ત્યાં પહોંચી ગઈ હતી અને પાંચ પુરુષ, ૧૦ બાળક બાળક તથા એક મહિલાનો બચાવ કરવામાં આવ્યો હતો. ગઈ કાલે રાત્રે જ અધિક નિવાસી કલેકટર ડો. બી. એસ. પ્રજાપતિ દ્વારા એક આદેશ કરી સંકલન ના અધિકારીઓ, નાયબ કલેકટરો અને મામલતદાર અને નાયબ મામલતદારોને ડભોઇ તથા કરજણ પ્રાંતને હવાલે મૂકવામાં આવ્યા છે. ડીડીઓ સુશ્રી મમતા હીરપરાએ મોડી રાત સુધી કલેકટર કચેરીના કંટ્રોલ રૂમમાં ઉપસ્થિત રહી સંકલન કર્યું હતું. આમ કોઈ પણ અનિચ્છનીય બનાવ વગર એટલે કે ઝીરો કેઝ્યુલિટી સાથે આપદાનો સામનો કરવા માટે વહીવટી તંત્ર દ્વારા પગલાં લેવામાં આવ્યા છે.