દેશમાં વિવિધ મહાનુભાવોની મૂર્તિ તોડવાની અને ખસેડવાની જાણે હોડ લાગી હોય તેમ રાજકોટમાં મુખ્યમંત્રીની રાજકોટમાં ટૂંકી મુલાકાત યોજાઈ હતી ત્યારે બીજી તરફ રાજનગર અને આંબેડકર ચોક ખાતે મનપાની મંજુરી વગર,ઠરાવ વગર ડો.આંબેડકરની મુકાયેલી બે પ્રતિમાઓ અંગે તંત્રનું ધ્યાન જતા ગત રાત્રિ દરમિયાન આ પ્રતિમાને કબજે કરી લેવાઈ હતી. આજે સવારે જ્યારે આ વિસ્તારના અનુ.જાતિના લોકોએ પ્રતિમા નહીં જોતા તેની જાણ થતા ટોળા રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સાંજ સુધી તણાવભર્યો માહૌલ સર્જાયો હતો અને નિર્દોષ લોકોએ પણ હેરાન થવું પડયું હતું.
વાહનોથી સતત ધમધમતા પોશ વિસ્તાર કાલાવડ રોડને ટોળાએ નિશાન બનાવીને કાલાવડથી રાજકોટ આવતી એસ.ટી.બસને ટોળાએ રોકીને ઉતારુઓને નીચે ઉતારીને બસ પર પથ્થરમારો કરતા બસની પાછળની સાઈડના કાચ તૂટી ગયા હતા. આ અન્વયે એસ.ટી.તંત્રે આ રૃટ પરથી બસો ડાયવર્ટ કરી દીધી હતી. ટોળાએ કાલાવડ રોડ પર યુનિ.તરફ જતા માર્ગ પર પ્રેમમંદિર પાસે ટાયરો સળગાવતા અને એક ખાનગી મોટરકારને પણ નિશાન બનાવી કાચ ફોડી નાંખ્યા હતા. તો આંબેડકર ચોક પાસે પણ એક ખાનગી મોટરકારના કાચ ફોડી નાંખતા આ રૃટ પર ભયનો માહૌલ પ્રસર્યો હતો. કેટલાક યુવાનોએ પોતાના હાથ પર જાતે બ્લેડથી લોહી નીકળે તે રીતે ‘જય ભીમ’ લખતા માહૌલ ગરમાયો હતો. જેના પગલે આ વિસ્તારમાં પોલીસના ધાડાં ઉતારી દેવાયા હતા અને ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
આ ઉપરાંત આ બન્ને રોડ પર રસ્તા વચ્ચે ટાયરો સળગાવી તથા આડા બાઈક ધરી, ઉગ્ર સૂત્રોચ્ચારો કરીને ચક્કાજામ કરી દેવાતા પોલીસે તાત્કાલિક ધસી જઈને વાહનો માટે માર્ગ ડાયવર્ટ કર્યા હતા. મનપાની બી.આર.ટી.એસ. સહિત સિટી બસોને ટોળા નિશાન બનાવે તેવો ભય હોય બસસેવા કામચલાઉ સમય પૂરતી બંધ કરાઈ હતી.
બીજી તરફ મ્યુનિ.કમિશનર, પોલીસ અધિકારીઓ વગેરે સાથે ભાજપના ધારાસભ્ય લાખાભાઈ સાગઠીયા અને કોંગ્રેસના નેતા વશરામ સાગઠીયા વગેરેની બેઠકનો ધમધમાટ ચાલતો રહ્યો હતો. સાંજે પ્રતિમા હટાવનાર ખુદ મનપાએ જ આ બન્ને પ્રતિમાઓ જ્યાં હતી ત્યાં પુન: સ્થાપિત કરી દીધી હતી જેના પગલે ઉપસ્થિત ટોળાએ વિજયોત્સવ મનાવ્યો હતો અને આંદોલન મોકુફ રાખી દેવાયું હતું.