રસપ્રદ સંવાદો માટે એક પ્લેટફૉર્મની રચના કરવાના હેતુથી કર્ણાવતી યુનિવર્સિટીએ શુક્રવારે ‘ધી વૉર વિથઇન’ નામના વિષય પર ચર્ચાનું આયોજન કર્યું હતું. જાણીતા ફિલ્મ મેકર વિવેક રંજન અગ્નિહોત્રીએ આ પ્રસંગે વૈશ્વિક વ્યવસ્થાને ઘડવામાં ભારતીય મહિલાઓની ભૂમિકા અંગે વાત કરી હતી. તેમણે જણાવ્યુ હતું કે, ‘ફેમિનિઝમ (નારીવાદ)એ પશ્ચિમી દેશોની વિભાવના છે. તેમણે તો સશક્તિકરણની વ્યાખ્યા જ બદલી નાંખી છે. તેમની આ વ્યાખ્યા મુજબ જે સ્ત્રીઓ ફેક્ટરીમાં કામ કરે છે, તેઓ જ સશક્ત છે. ભારતમાં બનેલી મહિલા સશક્તિકરણ પરની ફિલ્મો પશ્ચિમી વિશ્વમાંથી લેવામાં આવેલા સ્વતંત્રતાના વિચાર પર કેન્દ્રીત છે.
આધુનિક નારીવાદમાં ત્યાગની ભાવનાને કોઈ સ્થાન જ નથી. વિશ્વમાં બીજું કોઈ પણ ભારતીય સ્ત્રીઓ કરતાં વધારે સશક્ત નથી.’ તેમણે આગળ જણાવ્યું હતું કે, ‘આપણાં સાચા નાયકોને બિરદાવવાનો સમય પાકી ગયો છે. ભારતના સાચા નાયકો ભારતની સ્ત્રીઓ છે અને તેને હવે વૈશ્વિક મંચ પર લઈ જવાનું જરૂરી બની જાય છે તથા તેમને એ જણાવવું પણ જરૂરી છે કે, જો તમે સંસારમાં સુખ અને શાંતિ જોવા માંગતા હો તો સ્ત્રીઓનું સાચું સશક્તિકરણ જરૂરી છે. આ નારી શક્તિને કારણે જ ભારતીય અર્થતંત્ર ૩ ટ્રિલિયન યુએસ ડૉલરથી વધીને ૫ ટ્રિલિયન યુએસ ડૉલરનું થઈ જશે.’ કર્ણાવતી યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ રિતેશ હાડાએ જણાવ્યું હતું કે, ‘આજના સમયમાં કે જ્યારે સામાજિક-આર્થિક, રાજકીય અને ભૂ-રાજકીય પરિદ્રશ્યમાં ધરમૂળથી પરિવર્તન આવી રહ્યું છે, ત્યારે આ પ્રકારની ચર્ચાઓ યુવાનોને મહત્ત્વના વિષયો પર અર્થપૂર્ણ અને ઊંડી જાણકારી પૂરી પાડે છે.’