નરાધમોને પકડીને ગુનેગારોને કડકમાં કડક સજાનો દાખલો બેસાડવા સરકાર પ્રતિબધ્ધ : ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
રાક્ષસી કૃત્યો કરનારાઓનો કોઇ જાતિ, કોઇ ધર્મ કોઇ સમાજ હોતો નથી
ગુજરાત પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં અજાણી બાળકીના બળાત્કાર અને હત્યાના ગુનાને ગણતરીના દિવસોમાં ઉકેલીને ગુનેગારોને નશ્યત મળે એ પ્રકારે ઉદાહરણરૂપ કામ કર્યું છે. ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ આ નરાધમોને પકડવામાં ગુજરાત પોલીસને મળેલી સફળતાને બિરદાવી હતી. ઘાસના ઢગલામાંથી સોય શોધવા સમાન આ કામ ગુજરાત પોલીસે ટેકનોલોજીની મદદથી કૂનેહપૂર્વક પાર પાડ્યું છે. તેમણે ગુનેગારોને કડકમાં કડક સજાનો દાખલો બેસાડવામાં સરકારની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રકારના રાક્ષસી કૃત્ય કરનારાઓની કોઇ જાતિ હોતી નથી કે, તેમને કોઇ ધર્મ, કોઇ સમાજ કે વિસ્તાર સાથે સંબંધ હોતો નથી.
પાંડેસરાનો આ કેસ અત્યંત અટપટો હતો, બાળકીની ઓળખ મેળવવી ખૂબ અઘરૂં હતું. આ ઘટના બની ત્યારથી ગુજરાત પોલીસ, વિશેષ કરીને સુરત પોલીસ અને અમદાવાદ સિટી ક્રાઇમ બ્રાંચે રાત-દિવસ એક કરીને આવું રાક્ષસી કૃત્ય કરનારાઓને શોધવા પોતાની તમામ શક્તિઓ કામે લગાડી હતી. રાજ્ય સરકાર તરફથી તપાસ કામગીરીનું સતત મોનીટીરીંગ કરવામાં આવી રહ્યું હતું અને આખરે ગુનેગારો આવા ગુના કરતા સો વાર વિચાર કરે એ પ્રકારે ગુજરાત પોલીસે સફળતા મેળવી છે.
સુરતના પાંડેસરાની ચોંકાવનારી અને ભયાનક ઘટના વિષે વિગતો આપતાં ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, ૬ એપ્રિલના રોજ સવારે ૬:૪૫ કલાકે મોર્નીંગ વોકમાં નીકળેલા બે બહેનોએ એક અજાણી છોકરીની લાશ સાંઇ ફકીર ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે જોઇ હતી. તેમણે જ પાંડેસરા પોલીસ સ્ટેશનને આ અંગેની જાણ કરી હતી. તત્કાળ પાંડેસરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેક્ટર વી.પી. ગોલ અને પોલીસોએ અજાણી લાશના મૃત્યુનું કારણ શોધવા પોસ્ટમોર્ટમ પ્રક્રિયા હાથ ધરી હતી. તે દિવસે સાંજે ૭:૦૦ કલાકે પોલીસે ખૂન અને બળાત્કાર તથા પોક્સો હેઠળ ફરીયાદ દાખલ કરીને તપાસ ચાલુ કરી દીધી હતી.
અજાણી બાળકીના વાલી વારસને શોધવા સુરત પોલીસે સોશ્યલ મીડીયા, પ્રિન્ટ મીડીયા અને ઇલેક્ટ્રોનિક મીડીયાની મદદ લઇને વ્યાપક પ્રયત્નો કર્યા હતા એટલું જ નહિ પોસ્ટરો છપાવીને ઓળખ મેળવવા પરિશ્રમ કર્યો હતો.
ગુજરાત પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચની ટીમને પણ સુરત શહેર પોલીસની મદદમાં મોકલી હતી. પોલીસ દ્વારા તાત્કાલિક સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરાવવાની કામગીરી સઘન પણે ચાલુ કરવામાં આવી હતી. તપાસ દરમ્યાન અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાંચ દ્વારા એક કાળા રંગની સેવરોલેટ સ્પાર્ક ગાડી શંકાશીલ હાલતમાં શોધી કાઢવામાં આવી. આ સ્પાર્ક ગાડી કોણે – કોણે ઉપયોગ કરેલ છે તે પણ શોધી કાઢવામાં આવ્યું. ઉંડાણપૂર્વકની તપાસના અંતે ગાડીના માલિક રામનરેશને પણ શોધી કાઢવામાં આવ્યો. રામનરેશની ઉંડાણપૂર્વકની તપાસના અંતે તા. ૫ તથા ૬ એપ્રિલ, ૨૦૧૮ના રોજ ગાડીનો ઉપયોગ કોણે કર્યો તે પણ શોધી કાઢવામાં આવ્યું.
આ સમય દરમ્યાન ગાડીનો ઉપયોગ કરનાર હર્ષસાંઇ રામરાજ ગુર્જરનું નામ પ્રકાશમાં આવ્યું. હર્ષસાંઇ ગુર્જર ૧૬ એપ્રિલના રોજ પોતાના પરિવાર સાથે સુરતથી પોતાનો સામાન ભરી પોતાના વતનના ગામ કુનકુરા ખૂર્દ, તા. ગંગાપુર, જિ. સવાઇ માધુપુર, રાજસ્થાન નાસી ગયો હોવાનું શોધી કાઢવામાં આવ્યું. ડી.સી.પી. દિપન ભદ્રન દ્વારા સવાઇ માધુપુરના એસ.પી.નો સંપર્ક કરી આ આરોપીને હસ્તગત કરવામાં આવ્યો છે. આરોપીનો કબ્જો લેવા માટે અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાંચ દ્વારા પોલીસની ટીમ રાજસ્થાન ખાતે પહોંચી ગઇ છે. આરોપીને લાવ્યા બાદ આગળની હકીકત જેવી કે ગુનાનો હેતુ, ગુનાનો ચોક્કસ સમય / સ્થળ તથા અન્ય બાબતો શોધી કાઢવામાં આવશે.
મૃત્યુ પામનાર બાળકીની માતા પણ ગુમ થઇ હોવાનું માલૂમ પડ્યું છે. જેથી તેની માતાની પણ હત્યા થઇ હોવાની શંકા પોલીસ સેવી રહી છે. આ દિશામાં પણ પોલીસે તપાસ હાથ ધરી છે.
આ સમગ્ર તપાસ દરમ્યાન ટેકનોલોજી અને સી.સી.ટી.વી.નો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ડી.જી.પી. શિવાનંદ ઝાના અંગત માર્ગદર્શન હેઠળ સુરત પોલીસ કમિશ્નર સતિષ શર્મા, અમદાવાદ સીટી ક્રાઇમ બ્રાંચના જે.સી.પી. જે. કે. ભટ્ટ, ડી.સી.પી. દિપન ભદ્રન તથા એડીશ્નલ ડી.સી.પી. રાજદીપસિંહ ઝાલા તેમજ સુરત શહેરના ડી.સી.પી. એ.સી.પી. તથા મોટી સંખ્યામાં પોલીસ ઇન્સ્પેક્ટરર્સ અને ૪૦૦ જેટલા ચુંનદા પોલીસના માણસોએ રાત-દિવસ મહેનત કરી સફળતા મેળવી છે.
ગૃહ રાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, આરોપીઓને યોગ્ય નશ્યત મળે અને ઝડપી કેસ ચાલે તે માટે રાજ્ય સરકાર સક્રિય પગલાં લઇ રહી છે. જે આરોપીઓ ફરાર છે તેને પણ ટુંક સમયમાં પકડી લેવાશે. આવા વિકૃત અને રાક્ષસી કૃત્યો કરનારા સામે રાજ્ય સરકાર કડકમાં કડક કાર્યવાહી કરશે. આ કેસ માટે પકડાયેલ ગુનેગારોને કડકમાં કડક સજા મળે તે માટે ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની કાર્યવાહી કરવામાં આવશે તથા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટરની પણ નિમણુક કરવામાં આવશે.
આ તપાસ દરમ્યાન સફળ કામગીરી કરનાર અધિકારીઓ તથા પોલીસના માણસોને યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવશે.