ભારત સરકારના એનીમલ વેલ્ફેર બોર્ડ દ્વારા કીડીથી હાથી સુધીના પ્રાણીઓની રક્ષા-સુરક્ષા માટે ઘનિષ્ઠ કામગીરી હાથ ધરાશે. આ અંગે બોર્ડના નવનિયુક્ત અધ્યક્ષ એસ.પી.ગુપ્તાએ ગાંધીનગર ખાતે પત્રકારોને માહિતી આપી હતી.
સમગ્ર ભારતમાં જીવજંતુઓ, પક્ષીઓ, પ્રાણીઓ અંગે લોકજાગૃતિ કેળવાય તેમજ તેમનું કલ્યાણ થાય તેવા ઉમદા આશયથી વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એનીમલ વેલ્ફેર બોર્ડમાં નવનિયુક્ત અધ્યક્ષ અને રીટાયર્ડ આઇ.એ.એસ. એસ.પી.ગુપ્તાએ બોર્ડના અધ્યક્ષ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ વિવિધ ક્ષેત્રિય નિષ્ણાંતોની બનેલી ટીમે ભારત સરકારના વિવિધ મંત્રાલયો તેમજ વિવિધ રાજ્યોની સરકારો સાથે ખભેખભા મીલાવી પ્રાણી કલ્યાણના મુદ્દાઓને વેગવંતા બનાવવાનો સફળ પ્રયાસ કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સેવા નિવૃત્ત થયા બાદ એસ.પી.ગુપ્તા પોતે પણ ઘણા વર્ષોથી ગૌ સેવાર્થે પોતાની ગૌશાળાનું નિર્માણ કરી ત્યાં જ સહપરિવાર નિવાસ કરી રહ્યા છે. થોડા મહિનાઓ પૂર્વે, ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સાથે બોર્ડના ચેરમેન અને સભ્યોએ શુભેચ્છા મુલાકાત લીધી હતી અને પ્રાણી કલ્યાણના વિવિધ મુદ્દાઓ જેવા કે, ગૌચર અને બિનફળદ્રુપ જમીનની વિગતો મેળવીને પંચાયતો, સ્થાનિક સત્તાધિશો વગેરેને સાથે લઇ સુપ્રિમકોર્ટની ગાઇડ લાઇન મુજબ રસ્તા પરના પશુઓ ખાસ કરીને, રખડતા ગૌવંશને આશ્રય આપવા અંગેના સૂચન પર પરિણામલક્ષી કામગીરી કરવી, મનુષ્યોની જેમ ૧૦૮ હોય છે તેમ પશુ-પક્ષીઓ માટે પણ ‘૧૯૬૨’ એમ્બ્યુલન્સ સેવાનો વ્યાપ અને વિસ્તાર વધારવો, બાયોગેસ નિર્માણ, ગૌચર જમીન ઉપર એનીમલ હોસ્પિટલનું નિર્માણ કરી તેમજ સ્વાવલંબન તરફ આગળ વધવા, વર્મીકમ્પોસ્ટ ખાતરના નિર્માણ ઉપર વ્યાપક ચર્ચા કરાઇ હતી. રાજ્યકક્ષા સ્ટેટ એનીમલ વેલ્ફેર બોર્ડને તેમજ જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી (SPCA)ને કાર્યાન્વિત કરી, પુરતુ બજેટ ફાળવી તેમના માધ્યમથી પણ ગુજરાત સરકાર અને ભારત સરકારના પ્રાણી કલ્યાણ અંગેના અભિયાનને વેગવંતુ બનાવવા ચર્ચાઓ કરાઇ હતી. આ ઉપરાંત પશુ જન્મ કલ્યાણ અને વિવીધ રસીકરણ અંગે પુરતા દવાખાના ઓપરેશન થિયેટર, વેટરનરી ડૉકટર્સની પુરતા પ્રમાણમાં સુવિધાઓ ઉપલબ્ધ કરાવી મનુષ્યોમાં શ્વાનના કરડવાની ઘટનાઓ ઓછી કરાવવી, જેવી પ્રવૃત્તિ ઉપર પણ ભાર મૂક્યો હતો.
રાજ્યની વિવિધ જીવદયા સંસ્થાઓ કે, જેઓ ૫ વર્ષથી વધુ સમયથી નિરાશ્રિત પશુપક્ષીઓને આશ્રય આપી રહી છે તે જો પંચાયત કે સ્થાનિક નગરપાલિકાની જગ્યામાં હોય તો તેમને રહેમરાહે તેમજ કેસ ટુ કેસ બેઝિસ અને મેરીટ ઉપર રેગ્યુલરાઇઝડ કરવા, જેથી આ પ્રકારની જીવદયા સંસ્થાઓને બોર્ડ દ્વારા તથા સરકાર દ્વારા ગ્રાન્ટ ફાળવી શકાય. તે માટે બોર્ડ કાર્યરત છે. આ તકે એ.ડબલ્યુ.બી.આઇ.ના ચેરમેન શ્રી એસ.પી.ગુપ્તાએ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને સમગ્ર દેશનો અત્યંત કડક ગૌહત્યા વિરોધી કાયદો બનાવવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર ભારતમાં સૌ પ્રથમ વખત મકરસંક્રાતિએ પતંગના દોરાથી ઘવાયેલા પાીઓ રાજ્યવ્યાપી ‘કરૂણા અભિયાન’ શરૂ કરવા બદલ ખૂબ ખુબ અભિનંદન પાઠવ્યા હતા. આ સિવાય ગીર ઓલાદ સંવર્ધન માટે તેમજ નંદીઘર યોજના દ્વારા ગૌઓલાદ સુધારણાના વિવિધ કાર્યક્રમોની માહિતી લઇ પ્રસન્નતા વ્યક્ત કરી હતી.
વિવિધ મુદ્દાઓના સંકલન તેમજ એનીમલ વેલ્ફેર બોર્ડની ચર્ચાઓ કરવા સચિવાલય ખાતે ગુજરાતના પશુપાલન મંત્રી શ્રી બચુભાઇ ખાબડ સાથે તેમજ ગુજરાત સરકારના વિવિધ ઉચ્ચ અધિકારીઓ સાથે ચેરમેન શ્રી એસ.પી.ગુપ્તા, બોર્ડ મેમ્બર શ્રી રાજીવ ગુપ્તા સહિતના મહાનુભાવોએ વિસ્તૃત ચર્ચા કરી હતી.