આફ્રિકન દેશ લિબિયામાં તોફાન અને પૂરે ભયંકર તબાહી મચાવી છે. હરિકેન ડેનિયલને કારણે વિનાશક પૂર આવ્યું છે. જેના કારણે ૨૦૦૦થી વધુ લોકોના મોત થયા છે. સૌથી વધુ વિનાશ પૂર્વીય ક્ષેત્રમાં થયો છે. વાવાઝોડાને કારણે બહુમાળી ઇમારતો કાદવમાં ધસી પડી હતી. સૌથી વધુ વિનાશ ડેરનામાં થયો છે. ઘણા લોકો પાણીમાં તણાઈ ગયા છે અને હજારો લોકો લાપતા છે. તુર્કીએ લીબિયામાં રેસ્ક્યુ ટીમ અને મદદ માટે ૩ પ્લેન મોકલ્યા છે. વડાપ્રધાન ઓસામા હમાદે ત્રણ દિવસના શોકની જાહેરાત કરી છે અને દેશભરમાં ધ્વજ અડધી કાઠીએ લહેરાવવાનો આદેશ આપ્યો છે. તેમણે જણાવ્યું કે વિનાશક તોફાન ડેનિયલ પછી આવેલા પૂરે ડેરનામાં ભારે તબાહી મચાવી છે. આ પછી શહેરને ડિઝાસ્ટર એરિયા જાહેર કરવામાં આવ્યું છે. લિબિયાના પૂર્વીય સંસદ સમર્થિત વહીવટીતંત્રના વડા ઓસામા હમાદે સોમવારે મૃત્યુઆંકની પુષ્ટિ કરી હતી. ઓસામાએ કહ્યું કે લીબિયામાં મુશળધાર વરસાદને કારણે સ્થિતિ ભયાનક છે.
ઓસામા હમાદે કહ્યું કે સોશિયલ મીડિયા પરના વીડિયોમાં પાણીમાં ડૂબી ગયેલી કાર, ધરાશાયી થયેલી ઈમારતો અને રસ્તાઓ પર પાણીના જોરદાર પ્રવાહ જોવા મળે છે. વાવાઝોડું ડેનિયલ સમગ્ર પ્રદેશમાં ફેલાયું હતું અને કેટલાક દરિયાકાંઠાના નગરોમાં ઘરોનો નાશ કર્યો હતો, જેમાં બે જૂના ડેમ તૂટ્યા પછી ડેર્ના શહેર સંપૂર્ણપણે સંપર્ક વિહોણું થયું હતું. વધુમાં, બાયડાના મેડિકલ સેન્ટર દ્વારા ફેસબુક પર અપલોડ કરાયેલા વીડિયો અનુસાર, ભારે વાવાઝોડા અને પૂરના કારણે પૂર્વીય શહેર બાયડાની હોસ્પિટલોને ખાલી કરાવવામાં આવી હતી. ખાનગી ન્યુઝ એજન્સી અનુસાર, આ વરસાદ અત્યંત મજબૂત નીચા દબાણ પ્રણાલીના અવશેષોનું પરિણામ છે, જેને દક્ષિણપૂર્વ યુરોપના રાષ્ટ્રીય હવામાન સંગઠનો દ્વારા સત્તાવાર રીતે સ્ટોર્મ ડેનિયલ કહેવામાં આવે છે.
ગયા અઠવાડિયે, વાવાઝોડાએ ભૂમધ્ય સમુદ્રમાં આગળ વધતા અને મેડિકેન તરીકે ઓળખાતા ઉષ્ણકટિબંધીય ચક્રવાતમાં ફેરવાતા પહેલા ગ્રીસમાં વિનાશક પૂરનું કારણ બન્યું હતું. પૂર્વી લિબિયન સરકારના આરોગ્ય પ્રધાન ઓથમાન અબ્દુલજલિલએ સોમવારે બપોરે મૃત્યુઆંકની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે ઓછામાં ઓછા ૫૦ લોકો ગુમ છે. અબ્દુલજલીલે કહ્યું કે મૃતકોની આ સંખ્યામાં ડેરના શહેરની સંખ્યા સામેલ નથી, જેને આપત્તિગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો. અહીં સ્થિતિ હજુ સ્પષ્ટ નહોતી. શહેરના મુખ્ય મેડિકલ સેન્ટરે જણાવ્યું હતું કે મૃતકોમાં પૂર્વીય શહેર બાયદાના ૧૨ લોકોનો સમાવેશ થાય છે. એમ્બ્યુલન્સ અને ઈમરજન્સી ઓથોરિટીના જણાવ્યા અનુસાર ઉત્તરપૂર્વીય લિબિયાના દરિયાકાંઠાના શહેર સુસામાં સાત અન્ય લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. મંત્રીએ કહ્યું કે શાહત અને ઓમર અલ-મુખ્તાર શહેરમાં સાત અન્ય લોકો માર્યા ગયા હોવાના અહેવાલ છે. રવિવારે વધુ એક વ્યક્તિના મોતની પુષ્ટિ કરવામાં આવી હતી. પૂર્વી લિબિયામાં સરકાર દ્વારા સંચાલિત ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીના પ્રવક્તા વાલિદ અલ-અરફીના જણાવ્યા અનુસાર, તે વ્યક્તિ તેની કારમાં હતો અને પૂર્વીય શહેર માર્ઝમાં પૂરમાં ફસાઈ ગયો હતો.
મીડિયા અહેવાલો અનુસાર, પૂરમાં ડઝનેક લોકો ગુમ થયાના અહેવાલ છે અને અધિકારીઓને આશંકા છે કે તેઓ પૂરમાં મૃત્યુ પામ્યા હશે. પૂરના કારણે પૂર્વી લિબિયાના ઘણા શહેરોમાં મકાનો અને અન્ય સંપત્તિઓ નાશ પામી છે. સરકારે શનિવારે કટોકટીની સ્થિતિ જાહેર કરી હતી અને રાતોરાત ત્રાટકેલા વાવાઝોડા પહેલા સાવચેતીના પગલા તરીકે શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવામાં આવી હતી. દેશના હવામાન અધિકારીઓએ સંભવિત વરસાદ અને ખરાબ હવામાનની ચેતવણી આપી છે.