ર૧મી કોમન વેલ્થ ગેમ્સ-ર૦૧૮માં ટેબલ ટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇનું સમ્માન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ર૧મી કોમન વેલ્થ ગેમ્સ-ર૦૧૮માં ટેબલ ટેનિસ રમતમાં ભારતને ગોલ્ડ મેડલ અપાવનારા સુરતના યુવા ખેલાડી હરમિત દેસાઇને ખેલ પ્રતિભા પુરસ્કાર અન્વયે રૂ. ૩૩ લાખનો ચેક અર્પણ કર્યો હતો.
હરમિત દેસાઇને ટેબલ ટેનિસની રમતમાં ર૦૧પમાં વર્લ્ડ ચેમ્પિયનશીપ તથા એશિયન ચેમ્પિયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવીને ગુજરાતનું ગૌરવ આંતરરાષ્ટ્રિય સ્તરે વધારવા માટે રાજ્ય સરકાર દ્વારા અત્યાર સુધીમાં સમગ્રતયા રૂ. ૧ કરોડ ૯ લાખ ૯૬ હજારની સહાય તેમજ પુરસ્કાર રાશિથી સન્માનિત કરવામાં આવ્યા છે.
અત્રે એ નિર્દેશ કરવો આવશ્યક છે કે, વર્તમાન પ્રધાનમંત્રી અને તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજ્યની પ્રતિભાવંત ખેલ પ્રતિભાઓને યોગ્ય માર્ગદર્શન-કોચિંગ અને તજ્જ્ઞતા મળી રહે તે હેતુથી ર૦૦૭થી શકિતદૂત યોજનાનો પ્રારંભ કરાવેલો છે.
તદઅનુસાર રાજ્ય સરકારની શકિતદૂત યોજના અન્વયે હોનહાર ખેલાડીઓને નીડ બેઇઝ સહાય અંતર્ગત જે સહાય આપવામાં આવે છે તેમાં હરમિત દેસાઇને ર૦૦૭થી ર૦૧૭-૧૮ સુધી કુલ ૬૦.૪૬ લાખ રૂપિયાની રકમ શકિતદૂત યોજના અંતર્ગત અપાઇ છે. આ ઉપરાંત હરમિત દેસાઇને રૂ. ૧૬.પ૦ લાખનો ખેલ પ્રતિભા પુરસ્કાર પણ અગાઉ એનાયત કરવામાં આવેલો છે.
શકિતદૂત યોજના અન્વયે રૂ. ર.પ૦ લાખથી રપ લાખ સુધીની સહાય ખેલાડીને જરૂરિયાત મુજબ ભારતમાં કે ભારત બહાર કોચીંગ વગેરે માટે સરકાર આપે છે. ર૦૦૭થી ર૦૧૭-૧૮ના દસકમાં આવા ૭૭૭ ખેલાડીઓને રૂ. ૧પ કરોડ પ૭ લાખ પ૯ હજારની સહાય અપાઇ છે.